આર્યનગર અને ચંપકનગરમાં બે મરાઠી વેપારીઓને બિલ વગરની ચાંદીના નામે ધાક ધમકી આપી મોટી રોકડ રકમ પડાવી
બે પોલીસમેન અને દલાલનું કારસ્તાન, બુલિયન બજારમાં ભારે દેકારો, ગૃહ મંત્રી સુધી રજૂઆત કરવા તૈયારી
સલામત ગુજરાત અને સમૃધ્ધ ગુજરાતના રાજય સરકારના નારાઓ વચ્ચે શાંતિથી વેપાર-ધંધા કરતા લોકો તથા વેપારીઓને ખુદ પોલીસ જ તેના મળતીયાઓ સાથે મળીને ઉઘાડી લુંટ ચલાવી રહી છે અને ઉપરી અધિકારીઓ તમાશો નિહાળી રહયા હોય તેવી એક ચોંકાવનારી ઘટના રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં ગત ગુરૂવારે મોડી સાંજે બની છે. આ ઘટનામાં ચાંદીનો ધંધો કરતા બે મરાઠી વેપારીઓને બે પોલીસમેન અને એક હિસ્ટ્રીશીટર દલાલે ડરાવી-ધમકાવી રૂા. 12 લાખની લુંટ ચલાવી હોવાની સનસનીખેજ વિગતો બહાર આવી છે.
બુલિયન બજારમાંથી મળતી વિગતો મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આર્યનગર અને ચંપકનગર વિસ્તારમાં રહી ચાંદીનો વ્યવસાય કરતા બે મરાઠી વેપારીઓને પોલીસ અને લુખ્ખાઓની ટોળકીએ નિશાન બનાવ્યા હતા. આર્યનગરમાં રહેતા વેપારીની રેકી કરી તે ઘરે ચાંદી લઇને પહોંચતા જ બે પોલીસમેન અને એક હિસ્ટ્રીશીટર તેના ઘરમાં ત્રાટકયા હતા અને પરપ્રાંતિય વેપારી કંઇ પણ સમજે કે વિચારે તે પહેલા ધાક-ધમકી આપી બે નંબરની ચાંદી છે, બિલ વગરની ચાંદી છે, કેસ કરવો પડશે. તેવી ધાક-ધમકી આપી સેટલમેન્ટના નામે રૂા. 7 લાખની રોકડ રકમ પડાવ્યાની ચર્ચા છે. આજ રીતે ચંપકનગરમાં રહેતા મરાઠી વેપારીને પણ નિશાન બનાવી તેની પાસેથી પણ રૂા. પ લાખનો તોડ કર્યાનુ બહાર આવ્યુ છે. આ બંને ઘટના સમયે બુલિયન એશો.ના હોદેદારો પણ દોડી ગયા હતા. પરંતુ ગભરાયેલા મરાઠી વેપારીઓએ ફરીયાદ કરવાના બદલે સેટલમેન્ટ કરી વાત પુરી કરી દીધી હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઘટના અંગે બુલિયન એશો.ના હોદેદારોને પુછતા તેમણે પણ ઘટના બની હોવાનુ અને તોડ થયો હોવાનુ સ્વીકાર્યુ હતું.
તેમણે જણાવ્યુ હતુ કે અગાઉ પણ આ રીતે 3 વખત પોલીસ અને લુખ્ખાઓ તોડ કરી ગયા છે. હવે સહન શકિતની હદ આવી ગઇ છે. આ અંગે બુલિયન એશો. દ્વારા પોલીસ કમિશ્નરથી માંડી ગૃહ મંત્રી સુધી રજુઆત કરવા તૈયારી કરવામાં આવી છે. બીજી તરફ આ મામલે ભારે ઉહાપોહ થતા લુંટ ચલાવનાર પોલીસમેન અને હિસ્ટ્રીશીટરે બુલિયન એશો.ના હોદેદારોને બે નંબરી ધંધા કરતા હોવાના નામે ધમકાવી આ મામલો આગળ નહીં વધારવા ગર્ભિત ધમકી આપ્યાનુ પણ ચર્ચાય છે. આ ઘટનામાં પોલીસ કમિશ્નર જાતે રસ લઇ તટસ્થ તપાસ કરાવે તો ખંડણી ઉઘરાવવાનુ મસમોટુ રેકેટ બહાર આવવાની પણ શકયતા દર્શાવાય રહી છે.
ભાજપના તોખાર ધારાસભ્ય ઉદય કાનગડ તપાસ કરાવે
સામાકાંઠા વિસ્તારમાં ચાંદી અને ઇમિટેશનનો મોટા પ્રમાણમાં વ્યવસાય વિકસ્યો છે અને કરોડો રૂપિયાનુ ટર્નઓવર થાય છે. ત્યારે થોડે ઘણે અંશે થતા બે નંબરી વેપારનો ગેરલાભ લઇ પોલીસ અને હિસ્ટ્રીશીટરોની ગેંગ લાંબા સમયથી ખંડણી ઉઘરાવી રહી છે અને વેપારીઓમાં ધાક જમાવી રહી છે. વેપારીઓના આક્ષેપ મુજબ ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવા છતા કોઇ પગલા ભરાતા નથી. ત્યારે ભાજપના તોખાર અને આખાબોલાની છાપ ધરાવતા આ વિસ્તારના ધારાસભ્ય ઉદય કાનગડ વેપારીઓને હિંમત આપી યોગ્ય તપાસ કરાવે અને ખંડણીખોર ગેંગને ઉઘાડી પાડે તેવી માંગણી ઉઠવા પામી છે.
અગાઉ પણ ત્રણેક વખત તોડ કર્યો હોવાનો ઘટસ્ફોટ
સામાકાંઠાના બુલિયન બજારના વેપારીઓમાંથી જાણવા મળ્યા મુજબ ચાંદીના ધંધાર્થીઓ થોડે ઘણે અંશે બે નંબરનો વેપાર કરતા હોવાથી સ્થાનિક પોલીસ તથા હિસ્ટ્રીશીટરોની ગેંગ વેપારીઓને ડરાવી-ધમકાવી ખંડણી પડાવી રહી છે. ગત ગુરૂવારે બે વેપારીઓ પાસેથી રિતસર લુંટ ચલાવી હતી. જયારે આ અગાઉ પણ ત્રણેક વખત આ ટોળકીએ વેપારીઓને ધમકાવી પૈસા પડાવ્યા હતા. વેપારીઓએ એવો ચોંકાવનારો આક્ષેપ પણ કર્યો હતો કે આ અંગે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજુઆત કરવા છતા કોઇ પગલા ભરાયા નથી. તેના કારણે વેપારીઓ ભયભિત બની આ ટોળકીના શરણે થઇ રહયા છે.
