માફી માગી લેતા ‘ઠપકો’ આપી માફ કરતું ઈન્કમટેકસ વિભાગ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ના બોર્ડ ઓફ ડિસિપ્લિન દ્વારા બોગસ રાજકીય દાનના કેસમાં અમદાવાદના 11 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CAs) ને વ્યવસાયિક ગેરરીતિ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે. આવકવેરા વિભાગ દ્વારા વર્ષ 2021 માં કરવામાં આવેલા સર્ચ ઓપરેશન બાદ આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેમાં આ વ્યાવસાયિકોની સંડોવણી સામે આવી હતી.
આ કેસની વિગતો મુજબ, વર્ષ 2021માં ઇન્કમ ટેક્સ વિભાગે અમદાવાદ સ્થિત ત્રણ રાજકીય પક્ષો અને બે ચેરિટેબલ ટ્રસ્ટો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ક્લાયન્ટ્સને કરચોરી કરવામાં મદદ કરવા માટે બોગસ ડોનેશન સ્કીમ ચલાવતા હતા. આ સ્કીમ હેઠળ, કરદાતાઓ પોતાની આવક છુપાવવા માટે રાજકીય પક્ષોને દાન આપતા હતા અને બાદમાં તે નાણાં કમિશન કાપીને રોકડમાં પરત મેળવી લેતા હતા. આવકવેરા વિભાગે કુલ 28 સી.એ. ની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરી હતી, જેમાંથી હાલમાં 11 સી.એ. સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ICAIના બોર્ડ ઓફ ડિસિપ્લિને તાજેતરના આદેશમાં જણાવ્યું છે કે, આ 11 સી.એ. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એક્ટ, 1949 હેઠળ ‘અધર મિસક્ધડક્ટ’ (અન્ય ગેરરીતિ) માટે દોષિત છે. જોકે, સુનાવણી દરમિયાન આ વ્યાવસાયિકોએ એવી રજૂઆત કરી હતી કે તેમની સામે આવકવેરા વિભાગ દ્વારા કોઈ સીધી રિ-એસેસમેન્ટની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી નથી કે જે તે રાજકીય પક્ષો સામે કોઈ કડક પગલાં લેવાયા નથી. આ રજૂઆતો અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરવાની ખાતરીને ધ્યાનમાં રાખીને, બોર્ડે હાલ પૂરતી તેમને ’ફિટકાર’ (Reprimand) આપવાનો નિર્ણય કર્યો છે.
તપાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે, આ સી.એ. એ શરૂૂઆતમાં 2021 માં પોતાના નિવેદનો કબૂલ્યા હતા, પરંતુ 2023 માં એફિડેવિટ દ્વારા તે નિવેદનો પાછા ખેંચી લીધા હતા. બોર્ડે નોંધ્યું કે વ્યાવસાયિકોએ ત્યારે જ નિવેદન બદલ્યા જ્યારે શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરવાનો આવ્યો. આ ચુકાદો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની વ્યવસાયિક નૈતિકતા જાળવી રાખવા માટે એક મહત્વના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.
