મેટોડામાં રહેતી 10 વર્ષની બાળકીનું તાવથી મોત: પરિવારમાં શોકનું મોજું

રાજકોટ નજીક આવેલ મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં માત્ર 10 વર્ષની માસૂમ બાળકીનું રહસ્યમય સંજોગોમાં બીમારી બાદ…

રાજકોટ નજીક આવેલ મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં માત્ર 10 વર્ષની માસૂમ બાળકીનું રહસ્યમય સંજોગોમાં બીમારી બાદ મોત નીપજ્યું છે. વિગતો મુજબ, મૂળ મોટી પાનેલી ગામના વતની અને હાલ મેટોડા જીઆઈડીસીની સનરાઈઝ સોસાયટીમાં વસવાટ કરતા શ્રમિક મહેશભાઈ બગડાની પુત્રી ઉર્વીશાને અચાનક તાવ અને પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો.

તબિયત વધુ લથડતા બાળકીને આંચકી આવવા લાગી હતી, જેના કારણે પરિવારજનોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. સ્થિતિ ગંભીર જણાતા તેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ વિધિની વક્રતા એવી રહી કે ટૂંકી સારવાર બાદ આ માસૂમ બાળકીએ દમ તોડી દીધો હતો. તબીબોના તમામ પ્રયત્નો છતાં ઉર્વીશાને બચાવી શકાઈ નહોતી, જેના કારણે હોસ્પિટલ પરિસરમાં જ પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.મૃતક બાળકીના પારિવારિક વાત કરીએ તો, મહેશભાઈ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ઉર્વીશા તેમના બે બહેન અને એક ભાઈમાં સૌથી નાની અને લાડકવાયી હતી. તે ધોરણ-5 માં અભ્યાસ કરતી હતી અને અભ્યાસમાં પણ તેજસ્વી હતી. હોનહાર દીકરીના અકાળે અવસાનથી શ્રમિક પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે.જે દીકરીના કિલકિલાટથી ઘર ગુંજતું હતું, ત્યાં આજે માતમ છવાઈ ગયો છે. એકાએક તાવ અને ત્યારબાદ આંચકી આવવાથી થયેલા આ મોતના બનાવથી સ્થાનિક વિસ્તારમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. શ્રમિક પિતાએ પોતાની સૌથી નાની દીકરી ગુમાવતા સમગ્ર સોસાયટીમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *