42 વર્ષમાં પ્રથમ વખત અનેક સોસાયટી જળમગ્ન, વહેણ પરના દબાણો તાબડતોબ દૂર કરાયા
માણાવદરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 9 ઇંચ અને બે દિવસમાં 10.50 ઇંચ વરસાદ પડી જતાં 42 વર્ષ બાદ પ્રથમ વખત રહેણાંક વિસ્તારોમાં ઘરોમાં પાણી ધુસી જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. હજૂ પણ વરસાદ ચાલુ હોવાથી લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. માણાવદરમાં ગઇકાલે ગુરુવારે સવાર સુધીમાં દોઢ ઇંચ અને આજે સવારે સુધીમાં 9 ઇંચ વરસાદ ખાબકી જતા ખેડૂતો ખુશ-ખુશાલ થઇ ગયા છે.
માણાવદરમાં વરસેલા ભારે વરસાદના કારણે સ્થાનિક વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી અને આયોજનના અભાવને કારણે સ્થાનિક રહીશોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શહેરની ગિરિરાજ સોસાયટીમાં વહીવટી તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે ગિરિરાજ સોસાયટીના રહીશ દીપક પટેલે વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 42 વર્ષના ઇતિહાસમાં ક્યારેય પણ તેમના વિસ્તારમાં કોઈના ઘરમાં પાણી ભરાયું નથી. ચોમાસાની શરૂૂઆત પહેલા જ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને આ બાબતે વારંવાર લેખિત અને મૌખિક અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા સમયસર કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. તંત્રની આ આળસ અને નિષ્ક્રિયતાનું પરિણામ આજે સ્થાનિક રહીશોએ ભોગવવું પડી રહ્યું છે.ગિરિરાજ સોસાયટીના આશરે 25 થી 30 જેટલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોની ઘરવખરી અને સામાનને વ્યાપક આર્થિક નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તારમાં મોટા પાયે થયેલા ગેરકાયદેસર દબાણો અને પુલના અયોગ્ય નિર્માણને કારણે પાણીના કુદરતી નિકાલના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, જેને લીધે જ વરસાદી પાણી આગળ વધવાને બદલે લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે.
માણાવદરમાં 24 કલાક દરમિયાન અંદાજે 9 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા ગિરિરાજ સોસાયટીમાં પાણી ભરાયા હતા. ઘટનાની જાણ થતાં જ માણાવદરના મામલતદાર મહેશ શુક્લ, મહેસૂલ વિભાગ, પોલીસ અને ફ્લડ કંટ્રોલની ટીમ સાથે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
તંત્ર દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરીને પાણીના કુદરતી વહેણ પર થયેલા ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા હતા. દબાણો હટાવીને રસ્તો સાફ કરાતા પાણીનો નિકાલ ઝડપથી શરૂૂ થયો છે અને સોસાયટીમાંથી પાણી ઓસરી રહ્યા છે. વરસાદનું જોર ઘટતાં હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે.
