ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અસરકારક રીતે અમલમાં છે. આ નીતિના પરિણામે રાજ્યમાં પોક્સો હેઠળના કેસોમાં ન્યાય પ્રક્રિયા અભૂતપૂર્વ ઝડપે આગળ વધી રહી છે. આ પ્રકારના કેસોમાં સાયન્ટિફિક એવિડન્સ કલેક્શન સહિત ગુનાની ટોપ ટુ બોટમ લેવલે સંવેદનાપૂર્વક ઇન્વેસ્ટિગેશનની પધ્ધતિ અપનાવવામાં આવે છે. પોલીસની આ વિશેષ પધ્ધતિ ગુનેગારોને મજબૂત સજા અપાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે. આ તમામ બાબતોને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જાણકારીની સાથે પોક્સો કેસમાં ઝીરો ટોલરન્સ નીતિની પ્રશંસા કરી છે.
તાજેતરમાં ગાંધીનગરના કલોલ ખાતે પોક્સો કોર્ટે એક દાખલારૂૂપ ચુકાદો આપ્યો છે. 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી સામે પોલીસે ચાર્જશીટ રજૂ કરી હતી. આ ચાર્જશીટ રજૂ થયાના માત્ર 72 કલાકની અંદર જ કોર્ટે આરોપીને કુદરતી આયુષ્યના અંત સુધીની આજીવન કેદ ફટકારી છે. આ ઘટના ન્યાય પ્રક્રિયાની અદ્ભુત ઝડપ અને ચોકસાઈનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
વર્ષ 2026ના ઓગસ્ટ સુધીના પ્રથમ આઠ મહિનામાં જ કુલ 346 ચુકાદા આવ્યા છે. આ ચુકાદાઓમાં 241 આરોપીઓને આજીવન કેદ અને 2 આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવી છે. માત્ર ઓગસ્ટ મહિનાના એક જ મહિનામાં 48 પોક્સો કેસમાં સજાના ચુકાદા આવ્યા હતા. તે પૈકી 35 ગુનેગારોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા કોઈપણ નરાધમ માટે કોઈ દયા કે છૂટછાટ હોઈ જ ન શકે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પોક્સો કેસો માટે ફાસ્ટટ્રેક કોર્ટ્સ અને સુદ્રઢ કાયદાકીય માળખું ઊભું કર્યું છે. આ માળખાના પરિણામે પીડિતા અને તેના પરિવારને વર્ષો સુધી રાહ જોવી પડતી નથી પરંતુ ગણતરીના દિવસોમાં ન્યાય મળે છે.
છેલ્લા પાંચ વર્ષમાં 140 પોક્સો ગુનામાં પોલીસે એક દિવસથી લઈને 15 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. 16 થી 30 દિવસમાં તપાસ પૂર્ણ કરીને 1339 ગુનાઓમાં ચાર્જશીટ કરી દેવાઈ છે. તેવી જ રીતે 31 થી 45 દિવસમાં ચાર્જશીટ કરી હોય તેવા 5463 ગુનાઓ નોંધાયા છે. રાજ્ય સરકારના સુદ્રઢ કાયદાકીય માળખા અને પોલીસ-પ્રોસિક્યુશનના સંકલનથી ગુનેગારોમાં કાયદાનો કડક ડર સ્થાપિત થયો છે.
પાંચ વર્ષમાં 1,785 ચુકાદા અને કડક સજાના આંકડા
રાજ્યમાં વર્ષ 2022થી ઓગસ્ટ 2026 દરમિયાન પોક્સો અદાલતો દ્વારા કુલ 1785 ચુકાદા આપવામાં આવ્યા છે. આ ચુકાદાઓ પૈકી 908 ગુનેગારોને આજીવન કેદ અને 16 નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. અદાલતી ચુકાદાઓની સંખ્યામાં વર્ષ દર વર્ષે નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વર્ષ 2022માં 194 ચુકાદા અપાયા હતા જ્યારે વર્ષ 2025માં આ સંખ્યા વધીને 499 ચુકાદા પર પહોંચી હતી.
