વિંછિયામાં તાર ફેન્સિંગના કામની અદાવતમાં યુવક ઉપર જાહેરમાં હુમલો

વિંછીયા તાલુકાના ઓરી રોડ પર આવેલી ચામુંડા પાન સેન્ટર નામની દુકાન નજીક જૂની મનદુખ અને તાર ફેન્સિંગના કામની મજુરીના ધંધાકીય અદાવતને લીધે એક 21 વર્ષીય…

વિંછીયા તાલુકાના ઓરી રોડ પર આવેલી ચામુંડા પાન સેન્ટર નામની દુકાન નજીક જૂની મનદુખ અને તાર ફેન્સિંગના કામની મજુરીના ધંધાકીય અદાવતને લીધે એક 21 વર્ષીય યુવક પર ચાર શખ્સોએ જાહેરમાં ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરતા આ ઘટના અંગે યુવકની ફરિયાદને આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢીકવાળી ગામના વતની અને હાલ વિંછીયાના છાસીયા ગામે રહીને ખેતીકામ કરતા 21 વર્ષીય અલ્પેશભાઇ રમેશભાઇ ચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, આજથી આશરે બે વર્ષ પહેલાં તેઓ આરોપી રણજીતભાઇ શેખાભાઇ ડેરવાળીયા સાથે તાર ફેન્સિંગના કામમાં મજુરી અર્થે જતા હતા. ત્યારબાદ સમય જતાં ફરિયાદી અલ્પેશભાઇએ પોતે સ્વતંત્ર રીતે અલગ તાર ફેન્સિંગનું કામ રાખવાનું શરૂ કર્યું હતું. આ બાબતનો ખાર રાખીને રણજીતભાઇએ ફરિયાદી સાથે મનદુખ રાખી અગાઉ ભુંડી ગાળો આપી હતી.

આ અદાવત આગળ વધતાં, વિંછીયા ઓરી રોડ પર આવેલ ચામુંડા પાન સેન્ટર પાસે આરોપી રણજીતભાઇ શેખાભાઇ ડેરવાળીયા, હિતેશભાઇ સામાભાઇ ડેરવાળીયા, વિપુલભાઇ સામાભાઇ ડેરવાળીયા અને રોહિતભાઇ ગભરૂભાઇ ગ્રામભડીયા (તમામ રહે. નાનામાત્રા, તા. વિંછીયા) એ અલ્પેશભાઇ ઉપર હુમલો કર્યો હતો. હુમલા બાદ ચારેય આરોપીઓએ અલ્પેશને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બનાવને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ મામલે અલ્પેશભાઇ ચૌહાણની ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *