ફાઈલ માટે હોસ્પિટલ તંત્રએ 24 હજારની માંગણી કર્યાના પરિવારના આક્ષેપ બાદ મૃતદેહને ફોરેન્સિક પી.એમ. માટે રાજકોટ ખસેડાયો
ધ્રાંગધ્રામાં રહેતાં યુવકને છાતીમાં દુ:ખાવો ઉપડતાં તાત્કાલીક સારવાર માટે ધ્રાંગધ્રામાં આવેલી શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં યુવકનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ખાનગી હોસ્પિટલનાં તબીબના બદલે પ્યુન દ્વારા યુવકની સારવાર કરવામાં આવતાં મોત નિપજ્યું હોવાની અને યુવકની ફાઈલ માટે રૂા.24000ની માંગણી કર્યાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે યુવકના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ધ્રાંગધ્રામાં રેલવે સ્ટેશન રોડ પર રહેતાં અને જી.ડી.માં કોન્ટ્રાકટ બેઈઝ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં કરણ યોગેશભાઈ પાલીવાર નામના 26 વર્ષના યુવકને છાતીમાં દુ:ખાવો ઉપડતાં ધ્રાંગધ્રામાં હડવદ રોડ પર આવેલી શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકને સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવાર શોકની લાગણી પ્રસરી હતી અને પરિવારજનો દ્વારા તબીબી બેદરકારીના કારણે યુવકનું મોત નિપજ્યું હોવાનો સનસનીખેજ આક્ષેપ કરવામાં આવ્યો છે. આક્ષેપના પગલે પોલીસ દ્વારા યુવકના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક પુછપરછમાં મૃતક કરણ પાલીવાર બે ભાઈમાં મોટો હતો અને જીઈબીમાં કોન્ટ્રાકટ બેઈઝ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. કરણ પાલીવારને છાતીમાં દુ:ખાવો ઉપડતાં શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં એમ.ડી.ડોકટર હાજર ન હતાં અને હોમીયોપેથીક ડોકટર હાજર હોવા છતાં પ્યુન દ્વારા સારવાર કરવામાં આવી હતી. યુવકનું યોગ્ય સારવાર નહીં મળવાથી મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ રૂા.24000 જમા કરાવો બાદમાં જ ફાઈલ આપવામાં આવશે તેવું હોસ્પિટલ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. પરિવારના આક્ષેપોના પગલે પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.
