જેતલસર રેલવે બ્રીજ નજીક હોન્ડા ડીવાઈડર સાથે અથડાતા યુવકનું મોત

રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલા જેતલસર રેલ્વે ઓવરબ્રીજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી મોટરસાયકલ ડિવાઈડર સાથે ભટકાતા મધ્યપ્રદેશના વતની અને હાલ જેતપુરમાં…

રાજકોટ-જૂનાગઢ નેશનલ હાઈવે પર આવેલા જેતલસર રેલ્વે ઓવરબ્રીજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી મોટરસાયકલ ડિવાઈડર સાથે ભટકાતા મધ્યપ્રદેશના વતની અને હાલ જેતપુરમાં મજૂરી કામ કરતા 27 વર્ષીય યુવકનું માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના રહેવાસી અને હાલ જેતપુર તાલુકાના થોરાળા ગામે મજૂરી અર્થે આવેલા રમેશભાઈ કૈલાશભાઈ સોલંકીએ જેતપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેમના ફઈનો દીકરો મુન્નાભાઈ દયારામ સોલંકી (ઉં.વ. 27) ગત તારીખ 10/05/2026ના રોજ સાંજના સમયે મોટરસાયકલ (નંબર એમપી -46-ઝેડએફ-8527 લઈને કરિયાણું લેવા માટે ઘરેથી નીકળ્યો હતો.

રાત્રિના આશરે 11:40 વાગ્યાની આસપાસ, મુન્નાભાઈ જેતલસર રેલ્વે ઓવરબ્રીજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે પોતાની મોટરસાયકલ પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવતા તે રોડ પરના ડિવાઈડર સાથે જોરભેર ભટકાઈ હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે મુન્નાભાઈને માથાના તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ મુન્નાભાઈને તાત્કાલિક જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા જ તેમના પરિવારજનો અને સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહનું પંચનામું કરી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *