જૂનાગઢમાં ગિરનાર અને ભવનાથ તરફ જતા મુખ્ય માર્ગ પર મહાનગરપાલિકાની ગટર કામગીરી દરમિયાન તંત્રની અત્યંત ગંભીર બેદરકારી સામે આવી છે. કોઈ પણ પ્રકારના ચેતવણી બોર્ડ કે સુરક્ષા આડશ વિના રસ્તા પર મુકેલા ગટરના મોટા પાઇપ સાથે મોપેડ અથડાતા ગાયત્રી મંદિર સામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 27 વર્ષીય યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે તંત્રની બેજવાબદાર કામગીરી સામે લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.ગાયત્રી મંદિરની સામે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગટરનું કામ શરૂૂ કરવામાં આવ્યું છે.
આ કામગીરી માટે રસ્તાની બરોબર વચ્ચે એક મોટો પાઇપ આડો રાખવામાં આવ્યો હતો. લોકોના આક્ષેપ મુજબ, જે જગ્યાએ ડિવાઈડર પડે છે અને કામ ચાલુ હતું, ત્યાં કોઈ પણ પ્રકારના ચેતવણી દર્શક સાઈન બોર્ડ, રિફ્લેક્ટર કે કામચલાઉ આડશ મૂકવામાં આવી ન હતી. જે બોર્ડ હતા તે સાઈડ પર રાખી દેવામાં આવ્યા હતા, જેના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને આગળના જોખમનો કોઈ અંદાજ આવતો ન હતો.સાંજ કે રાત્રીના સમયે સાગર ભરતભાઈ બેરડીયા નામનો 27 વર્ષીય યુવક પોતાનું મોપેડ લઈને ભવનાથ તરફના રસ્તેથી પસાર થઈ રહ્યો હતો.
અંધારામાં અને રોડ પર પૂરતી લાઈટના અભાવે અચાનક રસ્તા પર આડો પડેલો આ પાઇપ સાગરને ન દેખાયો. જેના કારણે તેનું બાઈક સીધું જ પાઇપ સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે યુવક મોપેડ પરથી ફંગોળાઈને રસ્તા પર પટકાયો હતો અને તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં લોહીલુહાણ થઈ ગયો હતો.અકસ્માત સર્જાતા જ ભવનાથ તરફ આવતા-જતા રાહદારીઓ અને વાહનચાલકોના ટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. જાગૃત નાગરિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત સાગરની ગંભીર સ્થિતિને જોતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ યુવકના પરિવારજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.આ ગંભીર ઘટનાને પગલે સ્થાનિક લોકો અને રાહદારીઓમાં મનપાની કામગીરી સામે ભારે રોષ જોવા મળ્યો હતો.
