કાયદાની તમારી સમજ નબળી, બાહુબલીની જેમ વર્તવાનું બંધ કરો: સેશન્સ જજ પર સુપ્રીમની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે બિહારના એક સેશન્સ જજ અંગે આકરી ટિપ્પણી કરતા કહ્યું છે કે કાયદાની તેમની સમજ “અત્યંત નબળી” છે. કોર્ટે તેમને “બાહુબલી”ની જેમ વર્તવાનું બંધ…

સુપ્રીમ કોર્ટે બિહારના એક સેશન્સ જજ અંગે આકરી ટિપ્પણી કરતા કહ્યું છે કે કાયદાની તેમની સમજ “અત્યંત નબળી” છે. કોર્ટે તેમને “બાહુબલી”ની જેમ વર્તવાનું બંધ કરવાની સલાહ આપી છે. આ અવલોકનો એક એવા કેસમાં કરવામાં આવ્યા હતા જ્યાં જજે એક પોલીસ અધિકારીને કોર્ટના આદેશ છતાં FIR ન નોંધવા બદલ દોષિત ઠેરવી દંડ ફટકાર્યો હતો.

જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ પ્રશ્ન ઉઠાવ્યો કે શું જજે પોતાના અધિકારક્ષેત્રમાં રહીને કામ કર્યું હતું? સુપ્રીમ કોર્ટે બિહારના આ સેશન્સ જજની વર્તણૂક પર ભારે નારાજગી વ્યક્ત કરી, જેમણે કોર્ટના આદેશ મુજબ FIR ન નોંધવા બદલ પોલીસ અધિકારીને સજા કરી હતી. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે જજની કાયદાકીય સમજ પર સવાલ ઉઠાવ્યા અને તેમના વલણ અંગે તીખી ટિપ્પણીઓ કરી. જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેંચ સમક્ષ સુનાવણી દરમિયાન, જસ્ટિસ જોયમાલ્યા બાગચીએ ટિપ્પણી કરી કે જજે સૌપ્રથમ “કોર્ટના તિરસ્કાર” અથવા “કોર્ટની સમક્ષ કરવામાં આવેલા ગુના” ના કાયદાકીય વ્યાપને સમજવો જોઈએ. જસ્ટિસ બાગચીએ BNSS (ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા)ની કલમ 384 અને CrPC (ફોજદારી કાર્યરીતિ સંહિતા)ની કલમ 345ના દાયરાને સમજવાની આવશ્યકતા પર ભાર મૂક્યો. તેમણે ઉદાહરણો આપ્યા: જો કોઈ વ્યક્તિ કોર્ટરૂૂમની અંદર કોઈને થપ્પડ મારે, અપશબ્દોનો પ્રયોગ કરે, અથવા કોર્ટના આદેશ છતાં કોર્ટરૂૂમમાંથી બહાર જવાનો ઇનકાર કરે, તો આવી ક્રિયાઓને ’કોર્ટની સમક્ષ કરવામાં આવેલો ગુનો’ ગણી શકાય.

પરંતુ, જો કોર્ટ કોઈ વ્યક્તિને FIR નોંધવાનો નિર્દેશ આપે અને તે વ્યક્તિ તેમ કરવામાં નિષ્ફળ જાય, તો તેને ’કોર્ટની સમક્ષ કરવામાં આવેલો ગુનો’ ગણી શકાય નહીં. એક સેશન્સ જજ દ્વારા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) અને સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસને કોર્ટમાં બોલાવીને તે જ દિવસે તેમને દોષિત ઠેરવવાની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા, સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું તેમણે પોતાની સત્તાક્ષેત્રની મર્યાદામાં રહીને કામ કર્યું છે. બેન્ચે તપાસ્યું કે શું DM અને SP ને કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવા, તેમના હાજર ન રહેવાને કોર્ટની સમક્ષ થયેલો ગુનો ગણવો અને તે આધારે તેમને દોષિત ઠેરવી સજા સંભળાવવી એ તે જજની સત્તામાં આવે છે કે કેમ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *