ભાવનગરનાં મહુવામાં યુવાનની હત્યા

  ભાવનગર જિલ્લાના મહુવા ખાતે ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન એક હિંસક ઘટના સામે આવી છે. લોકશાહીના પર્વ સમાન મતદાનના દિવસે જ શહેરના નવા…

 

ભાવનગર જિલ્લાના મહુવા ખાતે ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન દરમિયાન એક હિંસક ઘટના સામે આવી છે. લોકશાહીના પર્વ સમાન મતદાનના દિવસે જ શહેરના નવા બસ સ્ટેશન વિસ્તારમાં મતદાન કરીને પરત ફરી રહેલા એક યુવાનની બે અજાણ્યા શખ્સો દ્વારા છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ખૂનના આ બનાવની મળતી માહિતી મુજબ મૂળ અમરેલી જિલ્લાના રાજુલાનો વતની અને હાલ મહુવા ખાતે કામગીરી અર્થે રહેતો સમીરભાઈ સાલેભાઈ યાફાઈ નામનો 26 વર્ષીય યુવાન ગઈકાલે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે ગયો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ કરીને જ્યારે તે નવા બસ સ્ટેશન વિસ્તાર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અગાઉથી જ તકની રાહ જોઈને બેઠેલા બે શખ્સોએ તેને આંતર્યો હતો. કોઈ પણ જાતની સમજૂતી કે વાતચીત પહેલા જ આ હુમલાખોરોએ સમીરભાઈ પર છરી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો.

હુમલાખોરોએ યુવાનના શરીર પર છરીના અનેક ઘા ઝીંકીને તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં પડેલા યુવાનને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ વધુ પડતો રક્તસ્ત્રાવ થઈ જવાથી ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ જૂની અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે.

મૃતક યુવાન અગાઉ આરોપીઓ સાથેના ઝઘડાને કારણે રાજુલા ખાતે રહેવા જતો રહ્યો હતો, પરંતુ આજે મતદાન માટે તે મહુવા આવ્યો હોવાની જાણ થતાં જ આરોપીઓએ આ ક્રૂર કૃત્યને અંજામ આપ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ચૂંટણીના દિવસે જ ધોળા દિવસે બનેલી આ હત્યાની ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને હત્યારાઓની ઓળખ કરવા અને તેઓ કઈ દિશામાં ભાગ્યા છે, તે શોધવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. હત્યાના આ બનાવથી મહુવા અને ભાવનગર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *