શહેરના ગ્રીનલેન્ડ ચોકડી નજીક આવેલા શિવ નગર જવાના રસ્તા પાસે ચાર દિવસ પહેલાં બનેલી એક સામાન્ય બોલાચાલીની અદાવત રાખીને એક યુવક પર તીક્ષ્ણ હથિયાર અને વાહનની ચાવીઓ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ ઘટના અંગે હરસિદ્ધિ સોસાયટી, ચામુંડા પાન વાળી શેરીમાં રહેતા અને મીઠાઈનો વેપાર કરતા 34 વર્ષીય સાગરભાઈ નરોત્તમભાઈ પરમારે રાજકોટ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, ચાર દિવસ અગાઉ રાત્રિના સમયે ફરિયાદી સાગરભાઈ અને તેમના મિત્ર સંજયભાઈ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે આવેલી ઓફિસ પાસે હાજર હતા, ત્યારે ત્યાં બેઠેલા ટેટુ નામના શખ્સને સંજયભાઈએ ઓફિસ પાસેથી ઉઠાડી રવાના કર્યો હતો.
આ વાતનું મનદુ:ખ રાખીને ટેટુ નામના શખ્સે વેર વાળવાનું આયોજન કર્યું હતું.
બનાવની વિગત મુજબ, સોમવારના રોજ વહેલી સવારે આશરે ચાર વાગ્યાના સુમારે સાગરભાઈ મોરબી રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલી ચામુંડા ચાની હોટલ ખાતે પોતાના મિત્ર રવિભાઈ સાથે વાતચીત કરી રહ્યા હતા. તે વખતે ટેટુ અને તેની સાથે રહેલો વિશાલ રોજાસરા પાણીની બોટલ લેવા આવ્યા હતા અને સાગરભાઈ સાથે કારણ વગર ગાળાગાળી કરવા લાગ્યા હતા. સાગરભાઈએ ગાળો આપવાનું કારણ પૂછતાં આ બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ટેટુએ ફોન કરીને અન્ય માણસોને બોલાવી લીધા હતા. સ્થિતિ વણસતાં સાગરભાઈએ પણ પોતાના મિત્ર ખેંગારભાઈને ફોન કરીને સ્થળ પર બોલાવ્યા હતા. ત્યારબાદ બંને મિત્રો શિવ નગર જવાના રસ્તા પાસે પહોંચતા જ ટેટુ, પ્રવિણ મનોજભાઈ બાંભવા, તેજો મનોજભાઈ બાંભવા, વિશાલ રોજાસરા અને અન્ય પાંચ અજાણ્યા માણસો સાથે ત્યાં આવી પહોંચ્યા હતા.
આ તમામ શખ્સોએ સાગરભાઈ સાથે આડેધડ ઢીકાપાટુનો માર મારવાનું શરૂૂ કર્યું હતું. આ દરમિયાન ટેટુ નામના શખ્સે પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે સાગરભાઈના માથાના પાછળના ભાગે ઘા ઝીંકી દીધો હતો, જ્યારે અન્ય આરોપીઓએ વાહનની ચાવીઓ વડે તેમના વાંસાના ભાગે ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી. સાગરભાઈને બચાવવા વચ્ચે પડેલા તેમના મિત્ર ખેંગારભાઈને પણ આ ટોળાએ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ સમયે ફરિયાદીના અન્ય મિત્ર ઘનશ્યામભાઈ મુંધવા આવી પહોંચતાં તેમણે વધુ મારથી બંનેને બચાવ્યા હતા. હુમલાખોરો જતા-જતા સાગરભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત સાગરભાઈને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમના માથામાં ટાંકા આવ્યા હતા. બી-ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરવા અંગે ટેટુ સહિત 9 સામે ગુનો નોંધી પીએસઆઈ એમ. એન. વસાવાએ તપાસ હાથ ધરી છે.
