પત્ની-સસરા-સાળાના ત્રાસથી યુવકનો ફાંસો ખાઇ આપઘાત

રિસામણે બેઠેલી પત્ની પુત્રીને મળવા નહીં દઇ માવતર સાથે મળી ધમકી આપતા પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી: મહિલા સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ મુળ ઉપલેટાના ઢાંક…

રિસામણે બેઠેલી પત્ની પુત્રીને મળવા નહીં દઇ માવતર સાથે મળી ધમકી આપતા પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી: મહિલા સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ

મુળ ઉપલેટાના ઢાંક ગામના વતની અને હાલ રાજકોટમા કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આવેલી પરિવાર હા. સોસાયટીમા રહેતા યુવાને વડવાજડી ગામે માવતરે રીસામણે બેઠેલી પત્ની, સસરા અને બે સાળાના ત્રાસ અને ધમકીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રીસામણે બેઠેલી પત્ની પોતાના માવતર સાથે મળી પુત્રીને મળવા નહી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી મરવા મજબુર કર્યો હોવાની મૃતક યુવાન પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. યુવકના મોતથી પરિવારમા અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.


આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા કાલાવડ રોડ પર આવેલા ઇસ્કોન મંદિર પાછળ પરિવાર હા. સોસાયટીમા રહેતા મહેશ રામજીભાઇ વિંજુડા નામનો ર9 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે પંખામા દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના અંગે 108 ની ટીમને જાણ કરતા 108 ની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જયા 108 ના ઇએમટીએ જોઇ તપાસી મહેશ વિંજુડાને નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમા અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ ઘટના અંગે જાણ થતા યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.


આ અંગે મૃતક મહેશ વિંજુડાના નાના ભાઇ પિયુષ ઉર્ફે પોલો વિંજુડાની પ્રાથમીક પુછપરછમા મૃતક મહેશ વિંજુડા બે ભાઇ અને એક બહેનમા મોટો હતો અને તેને સંતાનમા 1 ત્રણ વર્ષની પુત્રી છે. પત્ની હેતલબેન સાથે અણબનાવ બનતા રાજકોટ નજીક આવેલા વડવાજડી ગામે હેતલબેન માવતરે પુત્રી સાથે રીસામણે ચાલી ગઇ હતી. હેતલબેને પતિ મહેશ વિંજુડા વિરૂધ્ધ ખાધા ખોરાકીની કોર્ટમા ફરીયાદ દાખલ કરી છે અને મહેશ વિંજુડા ખાધા ખોરાકી પણ ચુકવતો હતો. મહેશ વિંજુડા રીસામણે બેઠેલી પત્ની પાસે રહેલી પુત્રી માન્વીતાને મળવા ગયો હતો ત્યારે પત્ની હેતલબેન વિંજુડા, સસરા કરશનભાઇ બાટા, સાળા કમલેશ બાટા અને વિમલ બાટાએ ઝઘડો કરી માર માર્યો હતો અને ફરી વખત મહેશ વિંજુડા પુત્રીને મળવા ગયો હતો ત્યારે પત્ની, સસરા અને બંને સાળાએ ઝઘડો કરી તને જીવવા નહીં દઇએ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેના કારણે આપઘાત કર્યો હોવાની યુનિવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે. મૃતક યુવાન પાસેથી મળે આવેલી બે પાનાની સ્યુસાઇડ નોટમા પણ મૃતક મહેશ વિંજુડાએ પત્ની હેતલબેન, સસરા કરશનભાઇ, સાળા કમલેશ અને વિમાલ તેની પુત્રીને મળવા દેતા નથી અને જાનથી મારી નાખવાની ધમકી આપી મરવા મજબુર કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે મૃતકના ભાઇએ નોંધાવેલી ફરીયાદ અને સ્યુસાઇડ નોટના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *