ગોંડલના જામવાડી નજીક કારખાનામાં કામ કરતો યુવાન કારખાનામાં ગરમ પાણીની ટાંકીમાં પડી જતાં ગંભીર રીતે દાઝી જતાં તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુળ છોટાઉદેપુરનો વતની અને હાલ ગોંડલ નજીક જામવાડી પાસે આવેલા કારખાનામાં કામ કરતો લલુ રૂપલાભાઈ રાઠવા (ઉ.26) નામનો યુવાન ગત તા.3-9નાં રોજ કારખાનામાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે ગરમ પાણીની ટાંકીમાં પડી જતાં શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી તેને સારવાર માટે પ્રથમ ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર કારગત ન નિવડતાં આજરોજ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી હાથધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ત્રણ ભાઈ બે બહેનમાં મોટો અને પાંચ મહિના પૂર્વે જ તેનાં લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે. તે છેલ્લા સાત મહિનાથી અહિં કારખાનામાં કામ કરતો હતો. બનાવના દિવસે તે કામ કરતો હતો ત્યારે પગ લપસી જતાં ગરમ પાણીની ટાંકીમાં પડી ગયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
