શહેરના કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે નિર્માણધીન સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિક યુવાન સાથે મોટી દુર્ઘટના ઘટી છે. સેન્ટિંગ કામ દરમિયાન હાઈટેન્શન વીજ લાઇનને અડકી જતા યુવાનને જોરદાર વીજ શોક લાગ્યો હતો,જેના કારણે તે ગંભીર રીતે દાઝી જવાની સાથે ઊંચાઈ પરથી નીચે પટકાયો હતો.હાલ આ યુવાન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, મૂળ પરપ્રાંતિય અને હાલ રાજકોટમાં મજૂરી કામ કરતા મુકેશ નિસાદ (ઉ.વ. 26) ગઈકાલે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં કોઠારીયા નાકા પોલીસ ચોકી પાસે આવેલી એક ઈમારતમાં સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા. કામ દરમિયાન અચાનક નજીકમાંથી પસાર થતો વીજ તાર મુકેશભાઈને અડી ગયો હતો. વીજ પ્રવાહ એટલો જોરદાર હતો કે તાર અડતાની સાથે જ મોટો ભડકો થયો હતો. વીજ શોકને કારણે મુકેશભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા અને વીજળીના ઝટકાને લીધે સંતુલન ગુમાવતા તેઓ અંદાજે પહેલા માળ જેટલી ઊંચાઈ પરથી સીધા નીચે જમીન પર પટકાયા હતા. આ અકસ્માતમાં તેમને દાઝ્યાની સાથે શરીરે અન્ય ગંભીર ઈજાઓ પણ પહોંચી છે.
ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં મુકેશભાઈને તાત્કાલિક શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.મુકેશભાઈના અંગત જીવનની વાત કરીએ તો, તેઓ છ ભાઈઓ અને એક બહેનના મોટા પરિવારમાં ત્રીજા નંબરના સંતાન છે. તેમના લગ્નને હજુ માત્ર ચાર વર્ષ થયા છે. પરિવારનો કમાતો દીકરો અચાનક આવી ગંભીર દુર્ઘટનાનો ભોગ બનતા પરિવારજનોમાં ભારે ચિંતા અને શોક વ્યાપી ગયો છે.બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાંધકામની સાઈટ પર સુરક્ષાના સાધનો હતા કે નહીં અને વીજ તાર આટલી નજીક હોવા છતાં કામ કેમ ચાલુ રાખવામાં આવ્યું હતું, તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવશે.
