આજે 31 ડિસેમ્બર 2025ના વર્ષનો અંતિમ દિવસ.2025ના વર્ષમાં ’ઉડાન’માં અલગ અલગ મહિલાઓના સંઘર્ષ અને સફળતાની ગાથાની સફર આપણે કરી છે.વીતેલું વર્ષ મહિલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું, ઓપરેશન સિંદૂરથી લઈને રાજનીતિ અને રમતગમતથી લઈને સિનેમા,મનોરંજન,સંગીત,બિઝનેસ,ફેશન,સાહિત્ય,કલા, વિજ્ઞાન ક્ષેત્રમાં મહિલાઓએ શાનદાર પ્રદર્શન કરી દેશને નવી ઊંચાઈ આપી છે,નવી ઓળખ સાથે નવી ઉર્જા આપી છે.2025 ફક્ત કેલેન્ડરમાં બદલાઈ રહ્યું છે એવું નથી પરંતુ મહિલાઓએ દરેક ક્ષેત્રમાં ડંકો વગાડીને સમય પણ બદલાવ્યો છે. નવા નવા ક્ષેત્રમાં નવી ઉડાન ભરી એક નવું સીમાચિહ્નન ઊભું કર્યું છે. આજે આવી જ પ્રતિભાવાન મહિલાઓની વાત ઉડાનમાં કરીશું.
હરમનપ્રીત કૌર : આ એ નામ છે જેણે ક્રિકેટના ઇતિહાસમાં ભારતને ગૌરવ અપાવ્યું છે.મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી નિભાવતા 2025નો મહિલા ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો છે તેમજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 8,000 થી વધુ રન બનાવ્યા છે.
નિખત ઝરીન : ક્રિકેટની જેમ જ તેણીએ વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં 51 કિગ્રા વજનમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની કારકિર્દીને નવી ઊંચાઈઓ પર પહોંચાડી દેશને ગૌરવ અપાવ્યું છે.
આર. વૈશાલી : ચેન્નાઈના આર. વૈશાલીએ 2025 વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતીય ચેસમાં એક નવી જીત મેળવી યુવાઓને પ્રેરણા આપી છે. વૈશાલી ભારતીય ગ્રાન્ડ માસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંધાના મોટા બહેન છે, અને તે પોતાની સિદ્ધિઓ માટે જાણીતા છે.
પાયલ કાપડિયા : કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ઇતિહાસ રચનાર ભારતીય મહિલા પાયલ કાપડિયાએ તેમની ફિલ્મ “ઓલ વી ઇમેજિન એઝ લાઈટ” માટે ગ્રાન્ડ પ્રિકસ જીતીને ઇતિહાસ રચ્યો. તે 30 વર્ષમાં આ સન્માન મેળવનારી પ્રથમ ભારતીય દિગ્દર્શક બની છે.આ એવોર્ડ સાથે ભારતીય સિનેમાને એક વૈશ્વિક સ્થાન પ્રાપ્ત થયું છે.
વર્ષા દેશપાંડે : 30 વર્ષથી મહારાષ્ટ્રમાં લિંગ પસંદગી સામે લડી રહેલા સામાજિક કાર્યકર એટલે વર્ષા દેશપાંડે. તેઓએ દીકરીઓના રક્ષણ માટે લડત ચલાવી છે.તેમને 2025 ના યુએન પોપ્યુલેશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમના કાર્ય દ્વારા, તેમણે હજારો છોકરીઓના જીવન બચાવ્યા છે અને મહિલાઓને કાનૂની અને સામાજિક શક્તિથી સશક્ત બનાવી છે.
મૈથિલી ઠાકુર : 25 વર્ષીય મૈથિલી ઠાકુર એટલે યુવા કલાત્મક કાર્યો અને રાજકારણનું અદ્ભુત મિશ્રણ. બિહારના અલીનગર મતવિસ્તારમાંથી જીતીને રાજ્યની સૌથી નાની ઉંમરની ધારાસભ્ય બની. ભાજપના યુવા-કેન્દ્રિત અભિયાનોમાં તેમની સક્રિય અને અસરકારક ભાગીદારીએ તેમને વ્યાપક ઓળખ અપાવી. શાસ્ત્રીય અને લોક સંગીતના લોકપ્રિય કલાકાર તરીકે તેમના ગીતોએ સામાજિક મુદ્દાઓ પ્રત્યે નવી સંવેદનશીલતા લાવી છે.
અશ્વિની ભીડે-દેશ પાંડે : જયપુર-અત્રૌલી ઘરાનાના આ પ્રખ્યાત ગાયિકા છે જેમને 2025માં પદ્મશ્રી મળ્યો હતો. તેઓ કિશોરી અમોનકરના શિષ્યા અને પ્રખ્યાત બંદિશકર છે. તેમના રાગોની શ્રેણી સંગીતના સાધકો માટે પ્રેરણારૂૂપ છે. દેશ-વિદેશમાં તેઓએ સંગીતને ઉચ્ચતમ સ્થાન અપાવ્યું છે.
મણિકા વિશ્વકર્મા : રાજસ્થાનના શ્રી ગંગાનગરની 22 વર્ષીય મણિકા વિશ્વકર્માએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2025નો તાજ મેળવ્યો છે. ફેશન અને બ્યુટીની દુનિયામાં ભારતને વિશેષ સ્થાન અપાવ્યું છે.થાઈલેન્ડમાં આયોજિત 74મી મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
અનીત પડડા : 22 વર્ષીય આ અભિનેત્રીએ 2025માં આવેલી ફિલ્મ સૈયારાથી રાષ્ટ્રીય સ્તરે લોકપ્રિયતા મેળવી હતી. સલામ વેંકી અને બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાયમાં તેણીની ભૂમિકાઓએ તેણીને યુવા દર્શકોમાં પ્રિય બનાવી હતી.અમૃતસરથી બોલિવૂડ સુધીની તેણીની સફર નવી, ઉર્જાવાન અભિનયનું ઉદાહરણ આપે છે.
શ્રેયસી સિંહ : અર્જુન એવોર્ડ વિજેતા આંતરરાષ્ટ્રીય શૂટર શ્રેયસી સિંહે ભાજપની ટિકિટ પર જમુઈ બેઠક પરથી જીત મેળવી છે. તેમને રાજ્ય મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા અને યુવા બાબતોનો હવાલો સોંપવામાં આવ્યો. તેઓ રાજ્યમાં 50 ગ્રામીણ તાલીમ કેન્દ્રો સ્થાપવા માટે કામ કરી રહ્યા છે.
ડો. અંજલિ અગ્રવાલ : તેઓ ભારતમાં જાહેર સ્થળોને દિવ્યાંગો માટે અનુકૂળ બનાવી રહ્યા છે. તેમનું કાર્ય ગતિશીલતા નહીં, પણ ગૌરવ અને સમાનતા સુનિશ્ચિત કરે છે.દિવ્યાંગો માટે સેવાઓને સુલભ બનાવતી મહિલાઓમાં તેમનો સમાવેશ થાય છે.
લીના નાયર : કોલ્હાપુરથી ચેનલના સીઈઓ સુધીની સફર કરનાર લીના નાયર ભારતીય નેતૃત્વને દર્શાવી રહી છે. તે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત લક્ઝરી બ્રાન્ડ ચેનલની વૈશ્વિક સીઈઓ છે. આ ફક્ત કારકિર્દીની વૃદ્ધિ નથી, પરંતુ એક ઐતિહાસિક સિદ્ધિ છે.
જાહ્નવી જિંદાલ : માત્ર 18 વર્ષની ઉંમરે 11 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર યુવાઓની પ્રેરણા એટલે જાહ્નવી જિંદાલ.કોઈપણ ઔપચારિક તાલીમ વિના, ફક્ત યુટ્યુબ અને સંપૂર્ણ દૃઢ નિશ્ચય પર આધાર રાખીને, તે સૌથી વધુ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધરાવતી ભારતની સૌથી સફળ મહિલા બની છે. રાષ્ટ્રીય સ્તરે તે સચિન તેંડુલકર પછી બીજા ક્રમે છે.
જયંતી વેંકટેશન : ચેન્નાઈની જીવનરેખાના તારણહાર એટલે જયંતી વેંકટેશન. પલ્લીકરણાઈ માર્શલેન્ડ્સને બચાવવા માટે તેમના પ્રયાસોને તેમને પ્રથમ રામસર વેટલેન્ડ સંરક્ષણ પુરસ્કાર અપાવ્યો.આ ફક્ત પર્યાવરણનું રક્ષણ નથી, પરંતુ દેશ અને વિશ્વના ભવિષ્યનું પણ રક્ષણ છે.
ડો. સોનાલી ઘોષ : કાઝીરંગાની રક્ષક એટલે સોનાલી ઘોષ.તેણી વન્યજીવન સંરક્ષણમાં નવીનતા માટે તે IUCN કેન્ટન મિલર એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય છે. ગેંડા, વાઘ અને જૈવ વિવિધતાના ભવિષ્યને સુરક્ષિત કરવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ છે.
ડાયના પુંડોલે : ફેરારી ટ્રેક પર ભારતની ગતિને ઝડપી બનાવનાર મહિલા એટલે ડાયના પુંડોલે.તેણી આંતરરાષ્ટ્રીય સ્તરે ફેરારી રેસ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. મધ્ય પૂર્વના ટ્રેક પર ફેરારી 296 ચેલેન્જ ચલાવીને મોટર સ્પોર્ટ્સમાં એક નવો અધ્યાય લખ્યો.
