ખુલ્લી ગટર, તૂટેલી પાઇપલાઇન તેમજ અત્યંત બિસમાર રસ્તાઓથી સ્થાનિકોને હાલાકી: વિપક્ષને કરાઇ રજૂઆત
ઉપલેટા શહેરમાં ખુદ નગરપાલિકાના પ્રમુખના વોર્ડ નંબર સાતમાં આવેલ ભગવતી પાર્ક-1 વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ વિસ્તાર વોર્ડ નંબર સાતમાં આવે છે, જે ખુદ ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાનો પોતાનો વિસ્તાર છે ત્યારે અહીંયા પોતાના જ વોર્ડમાં લોકો પ્રાથમિક જરૂૂરિયાતો માટે હાલાકી ભોગવી રહ્યા હોવાથી પાલિકાની કામગીરી અને વહીવટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
સ્થાનિક મહિલાઓના જણાવ્યા અનુસાર, શેરીમાં ગટરની 3 થી 4 કુંડીઓ ખુલ્લી અને તૂટેલી હાલતમાં છે. પીવાના પાણીની પાઇપલાઇન પણ બે-ત્રણ જગ્યાએથી તૂટી ગયેલી છે. રસ્તા પર પુરાણના નામે મોટા પથ્થરો નાખી દેવાતા માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે તેમજ અહીંયા ખુલ્લી ગટરોને કારણે બાળકો તેમાં પડી જવાનો અને વૃદ્ધો લપસીને ઈજાગ્રસ્ત થવાનો ભય સતત તોળાઈ રહ્યો છે. રસ્તા ખરાબ હોવાથી કોઈ શાકભાજીવાળા કે ઈમરજન્સીમાં રિક્ષાચાલકો પણ શેરીમાં આવવાની ના પાડી દે છે.
સ્થાનિક મહિલાઓએ જણાવ્યું છે કે, નિયમિત વેરો ભરવા છતાં વોર્ડના સદસ્ય શૈલેષભાઈ બારૈયા અને ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરાને વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર આશ્વાસન જ મળતું હોવાથી મહિલાઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્રસ્ત મહિલાઓએ એકઠા થઈને “નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા હાય હાય”, “ઉપલેટા નગરપાલિકા હાય હાય” અને “ભ્રષ્ટાચાર કરો” જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
અનેક રજૂઆતો ફરિયાદો અને માંગણીઓ સ્થાનિક નગરસેવક અને નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકોને કરવામાં આવી હતી જેમાં સત્તાધીશો દ્વારા કોઈ ઉકેલ ન લાવવામાં આવતા અંતે રહીશોએ ઉપલેટા નગરપાલિકાના વિપક્ષી સદસ્યોને રૂૂબરૂૂ બોલાવીને સ્થળ પરની વાસ્તવિકતા બતાવી હતી ત્યારે વિપક્ષી સદસ્યો દ્વારા અહીંયા ની અત્યંત ગંભીર અને ખરાબ પરિસ્થિતિની ગંભીરતા સમજીને નગરપાલિકામાં તાત્કાલિક અસરથી ઉગ્ર રજૂઆત કરી સમસ્યાનો ઝડપી નિકાલ લાવવાની ખાતરી આપી છે.
