રાજકોટનાં કોઠારિયામાં આવેલ ઋષિપ્રસાદ સોસાયટી ખાતે છેલ્લા 15 વર્ષથી રસ્તા, પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓની ભારે વિકટ સમસ્યા પ્રવર્તી રહી છે. સોસાયટીમાં 500 જેટલા મકાનોમાં 3000થી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ દર વર્ષે નિયમિતપણે મકાનવેરો, નળવેરો અને રસ્તાનો વેરો ભરે છે. આમ છતાં, બે વર્ષ પહેલાં લાખો રૂૂપિયાના ખર્ચે માત્ર મોટી મેટલ (કપચી) પાથરીને અધૂરું છોડી દેવાયેલું કામ આજે ધૂળમાં ભળી ગયું છે. તંત્ર અને સ્થાનિક નેતાઓને અનેક રજૂઆતો કરવા છતાં ડામર રોડ મંજૂર નહીં થતાં અને ચોમાસામાં પાણી ભરાવાના કારણે નાના બાળકો અને રહીશો માટે ઘર બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. અધિકારીઓ દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવતા હોવાથી આખરે કંટાળેલી સ્થાનિક મહિલાઓએ રસ્તા ઉપર ઉતરીને થાળી-વાટકા વગાડી તંત્રની ઉદાસીનતા સામે આક્રોશપૂર્વક વિરોધ કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં કોઠારિયા વિસ્તારમાં આવેલી ઋષિપ્રસાદ સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી રસ્તાના પ્રશ્નને લઈને સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બિસ્માર રસ્તાઓ અને તંત્રની ઉદાસીનતાથી કંટાળીને આખરે સોસાયટીની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. સ્થાનિક મહિલાઓએ હાથમાં થાળી-વાટકા વગાડીને મહાનગરપાલિકાના વિરોધમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો.
આ વિસ્તારમાં આવેલા 500થી વધુ મકાનો અને 3000થી વધુ રહીશો છેલ્લા 15 વર્ષથી પાયાની સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેઓ નિયમિતપણે મકાનવેરો, નળવેરો અને રસ્તાનો વેરો તંત્રને ચૂકવે છે, છતાં તેમને યોગ્ય સુવિધા મળતી નથી. બે વર્ષ પહેલાં રસ્તા પર લાખો રૂૂપિયાના ખર્ચે મેટલિંગ એટલે કે મોટી કપચી પાથરવામાં આવી હતી. તંત્ર દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં ડામર રોડ બનાવવામાં આવશે, પરંતુ બે વર્ષ વીતી ગયા છતાં અહીં ડામર પહોંચ્યો નથી. લાખો રૂૂપિયાના ખર્ચે પાથરેલું મેટલિંગ પણ સમય જતાં ધૂળમાં ભળી ગયું છે.
