ગોંડલમાં પાણી અને ગંદકી મુદ્દે મહિલાઓ બની રણચંડી

    ગોંડલ નગરપાલિકાના વિવાદાસ્પદ વહીવટ અને પાયાની સુવિધાઓના અભાવે આજે ભોજરાજપરા વિસ્તારની મહિલાઓનો પિત્તો ગયો હતો. છેલ્લા એક વર્ષથી પીવાના ગંદા પાણી અને સફાઈના…

 

 

ગોંડલ નગરપાલિકાના વિવાદાસ્પદ વહીવટ અને પાયાની સુવિધાઓના અભાવે આજે ભોજરાજપરા વિસ્તારની મહિલાઓનો પિત્તો ગયો હતો. છેલ્લા એક વર્ષથી પીવાના ગંદા પાણી અને સફાઈના અભાવે ત્રસ્ત બનેલી મહિલાઓએ આજે નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ સમસ્યા ખુદ નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ જોવા મળી રહી છે. ભોજરાજપરા વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી પીવાનું પાણી કાળું અને અત્યંત દુર્ગંધયુક્ત આવી રહ્યું છે. મહિલાઓ પુરાવા તરીકે ગંદા પાણી ભરેલી બોટલો સાથે નગરપાલિકા પહોંચી હતી. ખાઈના કાંઠે રેસિડેન્સી વિસ્તારમાં બનાવવામાં આવેલી મૂતરડી રહીશો માટે માથાનો દુખાવો બની છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં રાત્રિના સમયે અસામાજિક તત્વો દારૂૂની મહેફિલ માણે છે અને ખાલી બોટલો ત્યાં જ ફેંકી દે છે.

મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે કચરો લેવા આવતા કર્મચારીઓ નિયમિત આવતા નથી અને તહેવારોમાં પૈસાની માંગણી કરે છે. જો પૈસા ન આપવામાં આવે તો કચરો ઉપાડવાની ના પાડી દેવામાં આવે છે. કિરણબેન (સ્થાનિક રહીશ) અને રજૂઆત કરવા પહોંચેલી મહિલાઓને ઓફિસમાં કોઈ જવાબદાર અધિકારી કે પદાધિકારી ન મળતા રોષ બમણો થયો હતો. “અમારા વિસ્તારમાં એક વર્ષથી ઝેર જેવું પાણી આવે છે. રજૂઆત કરવા જઈએ તો વોર્ડના સભ્યો કે પ્રમુખ ડોકાવા પણ આવતા નથી. જો આનો કાયમી ઉકેલ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું

તંત્રની તાત્કાલિક ધોરણે કામગીરી કરવાની ખાતરી
હોબાળા બાદ નગરપાલિકાના પૃથ્વીસિંહ જાડેજા, મનુભાઈ કોટડીયા અને વિજળી શાખાના ચેરમેન મનીષભાઈ રૈયાણીએ મહિલાઓની રજૂઆત સાંભળી હતી. તેમણે ખાતરી આપી છે કે તાત્કાલિક અસરથી ઉંઈઇ દ્વારા બુગદો (ખાડી) સાફ કરાવવામાં આવશે. સેનિટેશન વિભાગને સૂચના આપી કચરાના નિકાલની વ્યવસ્થા સુધારવામાં આવશે. પીવાના પાણીની લાઈનમાં રહેલી ખામી શોધી તેને તાત્કાલિક દુર કરવામાં આવશે. હાલ તો નગરપાલિકાના પદાધિકારીઓએ સ્થળ પર જઈ તપાસ કરવાની ખાતરી આપી મામલો થાળે પાડ્યો છે, પરંતુ જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મહિલાઓએ સદસ્યોના ઘરે જઈને ઘેરાવ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *