ગુજરાત હાઈકોર્ટે રાજકોટ શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6.18 કરોડ રૂૂપિયાની છેતરપિંડીના કેસમાં કામ્યા ટેક્સટાઈલ્સ મિલ્સ પ્રા.લિ.ની ડિરેક્ટર નિલમબેન દિવ્યેશભાઈ ધીરજલાલ સાવલિયાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી છે. ન્યાયમૂર્તિ સંજીવ જે. ઠાકરે 21 સપ્ટેમ્બરના મૌખિક આદેશમાં જણાવ્યું કે આર્થિક ગુના અને જીપીઆઈડી એક્ટ હેઠળના આરોપમાં તેમની કસ્ટોડિયલ પૂછપરછ આવશ્યક છે.
રાજકોટ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તા. 5 જૂન 2026ના રોજ ફરીયાદ નોંધાઇ હતી જેમાં ફરિયાદી જલ્પાબેન જીતેન્દ્રભાઈ બાબુલાલ રેયાણી (ઉંમર 48, રહે. શ્રી સદગુરુ જ્યોત કોમ્પ્લેક્સ, ફ્લેટ નં. 301, રણછોડનગર, રાજકોટ)એ આરોપ લગાવ્યો છે કે આરોપી દિવ્યેશભાઈ ધીરજલાલ સાવલિયા અને તેમની પત્ની નિલમબેને કામ્યા ટેક્સટાઈલ્સના ડિરેક્ટર તરીકે 2 થી 3 ટકા વળતર અને કંપનીના શેર આપવાની લાલચ આપીને કુલ 6,18,50,000 રૂૂપિયા મેળવ્યા.
ફરિયાદ મુજબ બેંક મારફતે 45 લાખ, ફરિયાદીના પતિ પાસેથી રોકડા 4 કરોડ, સગા રાજેશભાઈ પાસેથી 1.43 કરોડ અને પતિના મિત્ર કલ્પેશભાઈ પાસેથી 30 લાખ મળી કુલ રકમ કંપનીના ખાતામાં તેમજ આરોપીના વ્યક્તિગત ખાતામાં જમા થઈ. તેમ છતાં શેર ટ્રાન્સફર કરવામાં આવ્યા નહીં, મૂળ રકમ પરત ન આપી અને વળતર પણ ચૂકવવામાં આવ્યું નહીં. ગુનો ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 54 અને ગુજરાત પ્રોટેક્શન ઑફ ઈન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ (ઇન ફાયનાન્સિયલ એસ્ટેબ્લિશમેન્ટ) એક્ટની કલમ-3 હેઠળ નોંધાયો છે. ગુનાનો સમયગાળો જાન્યુઆરી 2023થી ડિસેમ્બર 2025 સુધીનો દર્શાવાયો છે.નિલમબેન વતી એડવોકેટે દલીલ કરી કે વિવાદ મૂળભૂત રીતે સિવિલ પ્રકૃતિનો છે, તેઓ માત્ર પતિની પત્ની હોવાને કારણે ખોટી રીતે સામેલ કરાયા છે, ચેક સહી કરવાની સત્તા નથી અને તમામ વ્યવહાર પતિ સંભાળે છે. તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે.
આ કેસમાં એપીપીએ દલીલ કરતાં જણાવ્યું કે નિલમબેન કંપનીની ડિરેક્ટર છે, શેરહોલ્ડર યાદી પર તેમની સહી છે અને 2023ના નાણાકીય વર્ષમાં શેર તેમના નામે ટ્રાન્સફર થયાના દસ્તાવેજો છે. પતિ દ્વારા 12 નવેમ્બર 2024ના અંડરટેકિંગમાં 5 કરોડના રોકાણની કબૂલાત છે. તપાસ ચાલુ હોવાથી કસ્ટોડિયલ પૂછપરછ જરૂૂરી છે.
કોર્ટે નોંધ્યું કે અરજદારને માત્ર પત્ની તરીકે જોવાનું યોગ્ય નથી. તેઓ ડિરેક્ટર છે અને કંપનીના શેરહોલ્ડિંગ સાથે જોડાયેલા છે. 6.18 કરોડની મોટી રકમ, જીપીઆઈડી એક્ટના આરોપ અને આર્થિક ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને અગાઉથી જામીન આપવાનું યોગ્ય નથી. આર્થિક ગુના અલગ વર્ગના છે અને તેમાં જામીન અંગે કડક અભિગમ અપનાવવો પડે છે. કોર્ટે સુપ્રીમ કોર્ટના યુ.એસ. જગનમોહન રેડ્ડી, નિમ્મગડ્ડા પ્રસાદ, એસએફઆઈઓ વિ. આદિત્ય સારદા સહિતના ચુકાદાઓનો ઉલ્લેખ કર્યો. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અવલોકનો પ્રાથમિક પ્રકૃતિના છે. અરજી નામંજૂર કરતાં રૂૂલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.
