હું દવા પીને મરી જઇશ અને તમારા બધાના ખોટા નામ ફીટ કરી દઇશની ધમકી આપી
રાજકોટ ગ્રામ્યના શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરજ પરના મહિલા પોલીસ કર્મચારીઓ સાથે એક યુવતીએ ઉગ્ર બોલાચાલી કરી, હાથાપાઈ પર ઉતરી આવી સરકારી ફરજમાં રુકાવટ કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં આરોપી મહિલાના ભાઈ મયૂરભાઈ રાઠોડે કરેલી અરજીના સંદર્ભમાં પોલીસ સ્ટેશને હાજર રાખવામાં આવેલા આરોપી મહિલાના મિત્ર અનિલ પરમારને છોડાવવા માટે આવેલી યુવતીએ ખાખી વર્દીનો જરાય ડર રાખ્યા વગર પોલીસ સ્ટેશન માથે લીધું હતું.
આ મામલે આર્મ વુમન પોલીસ કોન્સ્ટેબલ પૂજાબેન રાઠોડની ફરિયાદ પરથી કીર્તિ દિનેશભાઈ રાઠોડ સામે શાપર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. આ બનાવમાં, બુધવારે આર્મ વુમન પોલીસ કોન્સ્ટેબલ પૂજાબેન રાઠોડ તથા પી.એસ.ઓ. હેતલબેન મીઠાપરા બંને ફરજ પર હાજર હતા. દરમિયાન બપોરે દોઢેક વાગ્યાની આસપાસ શાપર ગામની કીર્તિ દિનેશભાઈ રાઠોડ નામની યુવતી પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાંથી જોરજોરથી રાડારાડ કરતી પી.એસ.ઓ. ટેબલ પાસે ધસી આવી હતી. તેણીએ મારા મિત્ર અનિલ પરમારને કેમ પોલીસ સ્ટેશનમાં બેસાડેલ છે? તેમ કહી હોબાળો શરૂૂ કર્યો હતો.
સ્ટાફે અરજી સંદર્ભે બેસાડ્યા હોવાનું કહી શાંતિથી વાત કરવા સમજાવવા છતાં તે વધુ ઉશ્કેરાઈ ગઈ હતી.બનાવ પગલે પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય મહિલા કર્મચારીઓ હેતલબેન મીઠાપરા, સમજુબેન ગમારા અને કિંજલબેન માટિયા પણ ત્યાં દોડી આવ્યા હતા અને કીર્તિબેનને સમજાવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ મહિલાએ જીભાજોડી કરી ‘તમે મને ઓળખતા નથી, હું કીર્તિબેન રાઠોડ છું, મારા માણસો ભેગા કરીને તમારા બધાના પટ્ટા ઉતરાવી નાખીશ’ તેવી ધમકીઓ આપી હતી. એટલાથી પણ ન અટકીને તેણીએ ફરજ પરના પૂજાબેનને જોરથી બાથમાં લઈ, હાથ પકડીને ધક્કો મારી ફંગોળી દીધા હતા. આ ઝપાઝપી દરમિયાન પૂજાબેનને જમણા હાથના તથા ડાબા હાથના કાંડા પર અને વચ્ચે છોડાવવા પડેલા મહિલા હેડ કોન્સ્ટેબલ સમજુબેનને શરીરે સામાન્ય મૂઢ ઈજાઓ થઈ હતી.
પોલીસ સ્ટેશનમાં હાજર અન્ય સ્ટાફના ભોજાભાઈ ત્રમટા, રાજદીપસિંહ જાડેજા તથા જી.આર.ડી. સભ્ય રાજદીપસિંહ પઢિયાર અને હાજર જાહેર જનતાની વચ્ચે પણ યુવતીએ તોછડું વર્તન ચાલુ રાખ્યું હતું. તેણીએ ઉગ્ર બનીને કહ્યું કે ‘હું દવા પીને મરી જઈશ અને તમારા બધાના ખોટા નામ ફિટ કરી દઈશ.
