આગામી તારીખ 17 ને મંગળવારના રોજ નભો મંડળમાં ’કંકણાકૃતિ સૂર્યગ્રહણ’ ની ખગોળીય ઘટના સર્જાશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણ નું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર દ્વારા લાઈવ ટેલિકાસ્ટ ના માધ્યમથી અવકાશીય ઘટના ની રનિંગ કોમેન્ટ્રી સાથે સૂર્ય ની તમામ ગતી વિધિઓની સંપૂર્ણ તલ સ્પર્શી માહિતી અપાશે, જેનો જામનગર શહેરના વિદ્યાર્થીઓ તેમજ ખગોળ પ્રેમી જનતાએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
’કંકણાકૃતિ સૂર્યગ્રહણ’ એ આગામી તા. 17-2-2026 ને મંગળવાર માધ મહિના ની અમાસ ના દિવસે બપોરે 4.45 વાગ્યા બાદ થનાર છે. જે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સૂર્યગ્રહણ દક્ષિણ-પૂર્વ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, હિન્દ મહાસાગર, એન્ટાર્કટિકા વગેરે પ્રદેશોમાં દેખાશે. પરંતુ જામનગર શહેરમાં આ ગ્રહણ ને મોટા સ્ક્રીન ઉપર સેટેલાઇટ ના માધ્યમથી જોવા માટે ની વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકા ના સહયોગથી કરવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી તથા અન્ય અધિકારીઓ, ઉપરાંત નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા તથા અન્ય પદાધિકારીઓ વગેરે ના પ્રયાસોથી જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. ટાઉનહોલમાં મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યાથી સૂર્યગ્રહણ સેટેલાઈટ ના માધ્યમથી દર્શાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ, તેમજ શહેર માં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થી, અને ખગોળ પ્રેમી જનતા ને આ સૂર્યગ્રહણની તમામ માહિતી અને ગતિવિધિઓ જાણવા અને નિહાળવા મળી શકે, તેમ માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજકાસ્ટ-ગાંધીનગર પ્રેરીત, એમ.ડી. મેતા જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર,- ધ્રોલ, અને ખગોળ મંડળ જામનગર દ્વારા આ સમગ્ર કંકણાકૃતિ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના સંદર્ભે ની સેટેલાઈટ ના માધ્યમથી લાઈવ ટેલીકાસ્ટ ની વ્યવસ્થા કરીને તેમજ તે અંગેની રનિંગ કોમેન્ટ્રી સાથેની સૂર્યમાળાની તમામ ગતિવિધિઓની માહિતી અપાશે, જેમાં જામનગરની સંસ્થા રંગતાળી ગ્રૂપ નો સહયોગ પ્રાપ્ત થયો છે. આગામી 17 મી ફેબ્રુઆરીને મંગળવારે બપોરે થનારા આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ ને ’રીંગ ઓફ ફાયર’ પણ કહેવામાં આવે છે. આ સમયે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવશે, અને સૂર્ય નો પ્રકાશ ચંદ્ર દ્વારા અવરોધાશે. હાલમાં ચંદ્ર પૃથ્વી થી વધુ દૂર હોવાથી ચંદ્ર આખા સૂર્ય નું ગ્રહણ નહીં કરી શકે, પરંતુ સૂર્ય ની બહાર ની કિનારી પ્રકાશીત થતી દેખાશે.
જે સૂર્ય ગ્રહણની કુલ અવધિ 271 મિનિટ ની રહેશે, અને સૂર્ય નું વધુ માં વધુ 96 ટકા ગ્રહણ થઇ ગયા બાદ તે ગ્રહણ ગ્રસ્ત થશે. જેનો સમય. 17મી ફેબ્રુઆરી ને મંગળવારે બપોરે 4.45 થી 6.15 સુધીનો રહેશે. અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત મ્યુનિ ટાઉન હોલમાં તેનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે. હવે પછી આવું કંકણાકૃતિ સુર્યગ્રહણ આપણા શહેરમાં વર્ષ 2061 માં પ્રત્યક્ષ દેખાશે. જેથી હાલ આ સૂર્યગ્રહણની અલૌકિક ઘટના ના અવલોકના સાક્ષી બનવા વિદ્યાર્થીઓ અને ખગોળપ્રેમીઓને અનુરોધ કરાયો છે.
