‘પે એન્ડ પાર્કિંગ મને સોંપી દો, મફત કરી દઇશ’ મેયર બોલેલું પાળશે?

નેહલ શુક્લ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર સભ્ય હતા ત્યારે પે એન્ડ પાર્કિંગમાં ફી વધારા બાબતે જનહિતમાં તેમના સ્વભાવગત વિરોધ કરી ચેલેન્જ આપી હતી, હવે તો…

નેહલ શુક્લ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર સભ્ય હતા ત્યારે પે એન્ડ પાર્કિંગમાં ફી વધારા બાબતે જનહિતમાં તેમના સ્વભાવગત વિરોધ કરી ચેલેન્જ આપી હતી, હવે તો મેયર બની ગયા, બોલેલુ યાદ છે કે ભૂલી ગયા?

રાજકોટના નવનિયુક્ત મેયર નેહલ શુક્લ જનહિત માટે તેમના જ પક્ષની સામે, તેમના જ સાથે સભ્યોની સામે જરૂૂર પડે તો ઉંચા અવાજે પણ બોલી નાંખે તેવી તેમની ‘જડબાતોડ-આખાબોલા’ તરીકેની છાપ છે. ગત ટર્મમાં તેઓ માત્ર સ્ટેન્ડીંગ કમિટીના સભ્ય જ હતા. એ વખતે પે એન્ડ પાર્કિંગની ફી વધારાની એક દરખાસ્ત આવી હતી. તેની ચર્ચા દરમિયાન તેઓએ ખુલ્લેઆમ એવી ચેલેન્જ કરી હતી કે, પે એન્ડ પાર્કિંગ મને સોંપી દ્યો. હું સુપેરે સંચાલન કરાવીને તમામ પે એન્ડ પાર્કિંગ મફત કરી દઇશ. આ વાત બહુ જુની નથી.

હજુ ચાર-પાંચ મહિના પણ નહીં થયા હોય. સ્ટેન્ડીંગ સભ્ય પદે રહીને તેમણે આ ચેલેન્જ આપી હતી અને હવે તો તેઓ મેયર બની ગયા છે. ધારે તો અમલ કરાવી શકે તેમ છે. જનતા સવાલ પુછી રહી છે કે, મેયર નેહલ શુક્લે બોલેલુ આ પાળી બતાવશે? કે પછી ચાર-પાંચ મહિના પહેલા જ બોલેલુ ભુલી ગયા?! રાજકોટની વકરતી જતી ટ્રાફિક સમસ્યા વચ્ચે વાહન પાર્કિંગનો પ્રશ્ન હળવો કરવા માટે મનપાએ નવી 24થી વધુ જગ્યાએ પે એન્ડ પાર્કિંગ માટે નિયત કરી છે. તેના માટે નિયત ફી વસુલવામા આવે છે. અમુક જગ્યાએ કોન્ટ્રાક્ટરો મનપાએ નક્કી કરેલા નિયમોને ઘોળીને પી જઇ ખુલ્લેઆમ લૂંટફાટ ચલાવવા માટે પણ મનપાએ જાણે પીળો પરવાનો આપી દીધો છે. આવી અનેક ફરિયાદો રોજીંદી બની ગઇ છે.

બીજીબાજુ મોટાભાગના પે એન્ડ પાર્કિંગ એવી જગ્યાએ છે કે જ્યા લોકો વર્ષો સુધી વિનામુલ્યે વાહન પાર્કિંગ કરતા હતા અને હવે એ જ જગ્યાએ પે એન્ડ પાર્કિંગ બનાવીને લોકો પાસેથી પૈસા ખંખેરવામા આવી છે. આવી જગ્યામાં મોટભાગે જાહેર રોડ પર જ છે. શહેરના રસ્તા સાંકળા, પાર્કિંગ માટે કોઇ જગ્યા નથી. વાહન પાર્કિંગ માટે તંત્ર દ્વારા વ્યવસ્થિત જગ્યા આપવામા આવતી નથી અને રોડ પર જ પે એન્ડ પાર્કિંગની વસુલાતી ફીમાં વધારો કરવા માટે મનપાની ગત ટર્મમાં દરખાસ્ત આવી હતી.

આ દરખાસ્ત ચર્ચા પર આવતા જ એ વખતે માત્ર સ્ટેન્ડીંગ કમિટીના સભ્યપદે જ હતા તેવા મેયર નેહલ શુકલે વિરોધ કર્યો હતો. બેશક આ વિરોધ જનહિત માટે જ હતો. વિરોધ આવકારદાયક હતો. એ વખતે નેહલ શુક્લે કહ્યુ હતુ કે, પે એન્ડ પાર્કિંગથી થતી આવકની મનપાને એવી તો કોઇ જરૂૂર છે નહીં. લોકોને વાહન પાર્કિંગ માટે વિનામુલ્યે જગ્યા આપવાની જવાબદારી મનપાની બને છે. એવુ હોય તો પે એન્ડ પાર્કિંગ મને સોંપી દો. હું સુપેરે વ્યવસ્થા-સંચાલક કરાવી શકીશ અને શહેરના તમામ પે એન્ડ પાર્કિંગ મફત કરી બતાવીશ. માત્ર ચાર-પાંચ મહિના પહેલા જ સ્ટેન્ડીંગ કમિટીના સભ્યપદેથી લલકાર કરનાર નેહલ શુકલ હવે તો મેયર બની ગયા છે. મનપાનુ સુકાન તેમના હાથમાં છે. નિર્ણય લેવાની સતા તેમની પાસે છે ત્યારે નેહલ શુકલે પોતે કરેલા આ લલકાર-બોલેલુ પાળી બતાવશે? આવા સવાલ વચ્ચે જનતા એવો કટાક્ષ પણ કરી રહ્યા છે કે, હજુ ચાર-પાંચ મહિના પહેલા જ બોલલુ મેયર નેહલ શુક્લને યાદ છે કે નહી?!

મેયરનો તાજ કાંટાળો છે, ગત ટર્મમાં બોલેલા એક-એક વેણનો સામનો કરવા રહેવું પડશે તૈયાર
મેયરની ખુરશી પર બેસવુ એટલે જવાબદારીનો એક મોટો પહાળ શિર પર આવવો. મેયરનો તાજ કાંટાળો છે. એમાયે નેહલ શુક્લે ગત ટર્મમાં અનેક બાબતો સામે ખુલ્લીને વિરોધ કર્યો હતો. આ વિરોધથી ક્યાંકને કયાંક પાર્ટીના અડખામણા પણ બની ગયા હશે. જો કે મોટાભાગના વિરોધ જનહિત માટે હતા એટલા માટે જ આવકારદાયક કહી શકાય. પણ હવે સવાલ એ છે કે, ગત ટર્મમાં બોલેલા તેમના એક-એક વેણ, એક એક લાલકાર પાળી બતાવવાની તૈયારી પણ રાખવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *