મનપામાં નવી બોડીમાં વ્યાપક જૂથવાદ અને ટાંટિયાખેચની ફરિયાદો; પદાધિકારી-સતાધિશો વચ્ચે સંકલનનો સદંતર અભાવ, અનેક વિવાદો વચ્ચે ‘દાદા’ કડક હાથે ડામશે કે કેમ તે તરફ સૌની મીટ
આગામી રવિવાર, 2 તારીખના રોજ રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રીની આ મુલાકાત વિકાસ કાર્યોની ભેટ આપવાની સાથે સાથે રાજકીય દૃષ્ટિએ પણ અત્યંત સૂચક માનવામાં આવી રહી છે. સીએમ પટેલ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અનેકવિધ પ્રકલ્પોના લોકાર્પણ સહિત કુલ ત્રણ જેટલા મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે અને મનપાના નેતાઓ અને અધિકારીઓ સાથે બેઠક કરી તેમનો ’ક્લાસ’ લે તેવી પ્રબળ શક્યતાઓ છે.
મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન વિકાસ કાર્યો કરતા વધુ ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાના આંતરિક રાજકારણની થઈ રહી છે. મનપામાં નવી બોડી અસ્તિત્વમાં આવ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી વ્યાપક જૂથવાદ સપાટી પર આવ્યો છે.
ચૂંટાયેલી પાંખના નેતાઓ અને અધિકારીઓ વચ્ચે સંકલનનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે રોજેરોજ નવા વિવાદો જન્મી રહ્યા છે.
ખાસ કરીને ’જંગલેશ્વર ડિમોલિશન બિલ’નો વિવાદ હજુ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે મુખ્યમંત્રી દ્વારા મહાનગર પાલિકાના નેતાઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ સંગઠનના પદાધિકારીઓને રૂૂબરૂૂ બોલાવીને કડક શબ્દોમાં ’ક્લાસ’ લેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. શહેરના હિત અને પક્ષની છબીને નુકસાન પહોંચાડતા આંતરિક વિખવાદો મામલે સીએમ કડક સૂચના આપી શકે છે.
મુખ્યમંત્રીના હસ્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે તૈયાર કરવામાં આવેલી નવી આધુનિક ’ઈ-લાયબ્રેરી’નું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત, રૂૂ. 12.50 કરોડના માતબર ખર્ચે નિર્માણ પામેલા નવા ઓડિટોરિયમ તેમજ હેલ્થ સેન્ટરનું ખાતમુર્હુત પણ સીએમના હસ્તે થશે.આ જ કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટી ખાતેથી જ રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્રના 300 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે. જેમાં શહેરની માળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠા યોજનાઓ તેમજ શહેરી લગતા કરોડો રૂૂપિયાના પ્રોજેક્ટ્સ ખુલ્લા મુકવામાં આવશે. સાથે જ ભવિષ્યના નવા પ્રોજેક્ટ્સ માટે ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.
સ્વ.વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિતે વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે
મુખ્યમંત્રી અટલબિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂૂપાણીના જન્મદિવસ નિમિત્તે આયોજિત ’પૂજિત રૂૂપાણી ટ્રસ્ટ’ના વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર પૂજિત રૂૂપાણી ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા નવા સેવાકીય પ્રકલ્પો અને જનકલ્યાણના કામોનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સથી જરૂૂરિયાતમંદ પરિવારો અને વિદ્યાર્થીઓને મોટો લાભ મળશે.ત્યારબાદ મુખ્યમંત્રી શહેરના ’વિશ્વા પાર્ટી પ્લોટ’ ખાતે આયોજિત એક ખાનગી કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
