શહેરની ભાગોળે આજીડેમ ચોકડી નજીક આવેલા રામવન પાસે રહેતી પરિણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પતિ સાથે ટીફીન બનાવવા બાબતે ઝઘડો થતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જયારે બીજા બનાવમાં રામનાથપરામાં રહેતી પરિણીતાએ ગૃહ કલેશથી કંટાળી ફિનાઇલ પી લીધી હતી.
જાણવા મળતી વિગત મુજબ રામવન નજીક વિસ્તારમાં રહેતી પાયલ દિલીપભાઇ રાઠોડ (ઉ.વ.22)નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં પરિણીતાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હોવાનુ અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે. આજે સવારે ટીફીન બનાવવા બાબતે બોલાચાલી થતા લાગી આવવાથી તેણીએ આ પગલું ભરી લીધાનુ પરિવારજનોએ જણાવ્યુ હતું.
જયારે બીજા બનાવમાં રામનાથપરા મેઇન રોડ પર પોલીસ લાઇનની સામે રહેતી અનીસા મુસતાકભાઇ હોથી (ઉ.વ.25)નામની પરિણીતાએ આજે સવારે પોતાના ઘરે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તેણીના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હોવાનુ અને બે સંતાન હોવાનુ જાણવા મળ્યુ છે. ગૃહ કલેશથી કંટાળી તેણીએ ફિનાઇલ પી લીધુ હતું.
એરપોર્ટ ફાટક પાસે યુવાને એસીડ પીધુ શહેરના એરપોર્ટ ફાટક નજીક ફૂટપાથ પર રહેતા સન્ની ભોલાભાઇ વાઘેલા (ઉ.વ.20)નામના યુવકને અગમ્ય કારણોસર એસીડ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
