શહેરમાં મોરબી રોડ પર આવેલા સંગીત પાર્કમાં રહેતી પરિણીતાને ‘તું મને છુટાછેડા આપી દે અને અહિંથી નીકળ’ તેવા પતિએ કહેવેણ કહેતા પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ પર જકાત નાકા પાસે આવેલ સંગીત પાર્કમાં રહેતી શ્રધ્ધાબેન મયુરભાઈ સાકરીયા નામની 29 વર્ષની પરિણીતા રાત્રીનાં સાડા આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
પ્રાથમિક પુછપરછમાં શ્રધ્ધાબેન સાકરીયાના પાંચ વર્ષ પૂર્વે લગ્ન થયા છે અને તેમને સંતાન નથી. પતિ મયુર સાકરીયા દારૂના નશામાં ઝઘડો કરી ‘તું મને છુટાછેડા આપી દે અને તું અહિંથી ચાલી જા’ તેમ કહી ત્રાસ આપે છે. એટલું જ નહીં પરંતુ સસરા નાનજીભાઈ સાકરીયા પણ ત્રાસ ગુજારતાં હોવાનો પરિણીતાએ આક્ષેપ કર્યો છે. આક્ષેપના પગલે બી-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
