ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, 265 તાલુકા ભીંજાયા

ગુજરાતમાં સતત ચોથા દિવસે ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં ઉતર ગુજરાત તથા સૌરાષ્ટ્રને તરબતર કર્યા છે. આજે સવારે 6 વાગ્યા…

ગુજરાતમાં સતત ચોથા દિવસે ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં ઉતર ગુજરાત તથા સૌરાષ્ટ્રને તરબતર કર્યા છે. આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડતાં લોકોના હૈયે ટાઢક થઈ છે. અત્યાર સુધી કોરા રહેલા કચ્છને પણ મેઘરાજાએ હેતથી ભીંજવ્યું છે. જો કે હજુ દેવભુમિ દ્વારકા જિલ્લો વરસાદની રાહમાં છે.

ગુજરાતમાં 24 કલાકમાં 265 તાલુકામાં ભારે વરસાદ. સાંતલપુરમાં 15 ઈંચ, રાધનપુરમાં 13.5 ઈંચ અને નડિયાદ-દિયોદરમાં 11 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાયેલ છે. ગુજરાતમાં મેઘરાજાએ પ્રચંડ રૌદ્ર સ્વરૂૂપ ધારણ કરતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ 265 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે.
સૌથી વધુ વિધ્વંસક સ્થિતિ પાટણ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં સાંતલપુરમાં 15 ઈંચ અને રાધનપુરમાં 13.5 ઈંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકાર થયો છે.

આંકડા અનુસાર, બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ભાભરમાં 11.5 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ, સુઈગામમાં 7 ઈંચ અને થરાદમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય દાંતીવાડામાં 7 ઈંચ અને ઓગડમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો, ખેડાના નડિયાદમાં 24 કલાકમાં 11 ઈંચ, મહેમદાવાદમાં 8.5 ઈંચ, વસો અને કઠલાલમાં 5-5 ઈંચ આકાશી પાણી પડ્યું છે. આણંદના સોજીત્રામાં પણ 5 ઈંચ વરસાદથી માર્ગો જળમગ્ન બન્યા છે.

ગાંધીનગરના દહેગામમાં 6 ઈંચ અને કચ્છના રાપરમાં 5 ઈંચ વરસાદ ઝીંકાયો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના થાનગઢમાં 7 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 7 ઈંચ અને જૂનાગઢના ભેસાણમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય મહીસાગરના બાલાસિનોરમાં 4.5 ઈંચ અને રાજ્યના અન્ય 246 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદથી નદી-નાળા છલકાયા છે. વિરામ વગર વરસેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે અને નીચાણવાળા ગામોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *