સર્પ મિત્ર અમીબેન શ્રીમાળી ઇચ્છે છે કે દરેક નાગરિક સાપ વિશે જાણે, સમજે અને તેને સુરક્ષિત રાખી નુકસાન ન પહોંચાડે
જ્યારે હું સ્નેક રેસ્ક્યુ માટે જાઉં છું ત્યારે લોકો મને એક મહિલા તરીકે જુએ છે અને તેમને એવું લાગે છે કે મહિલા સાપ પકડી નહીં શકે. ઘણા તો એવું પણ કહે છે કે ‘બાઈ માણસથી તો સાપ કેમ પકડાય?’ ઘણીવાર કોબ્રા ફેણ ચડાવીને બેઠો હોય ત્યારે લોકો માને છે કે એ બાયું સામે ન જુવે. પરંતુ આ બધી વાતોને હું પડકાર તરીકે સ્વીકારું છું અને સાપને રેસ્ક્યુ કરીને સાબિત કરું છું કે મહિલા પણ સાપનું રેસ્ક્યુ કરી શકે છે.
આ શબ્દો છે અમદાવાદના સ્નેક રેસ્ક્યુઅર,સર્પ મિત્ર અમીબેન શ્રીમાળીના. છેલ્લા 12 વર્ષથી તેઓ સ્નેક રેસ્ક્યુની કામગીરી સાથે સાપ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યાં છે. તેમનો પ્રયાસ માત્ર સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાનો નથી, પરંતુ લોકો સાપને સમજે અને અજ્ઞાનતા કે ડરના કારણે તેને નુકસાન ન પહોંચાડે તે માટે પણ છે.
પ્રકૃતિના ખોળે ઉછર્યા અને સાપ પ્રત્યેનું કુતૂહલ જાગ્યું
વિરમગામ નજીક ગ્રામ્ય સંસ્કૃતિના ખોળે અમીબેનનું બાળપણ વીત્યું હોવાથી તેઓ નાનપણથી જ પ્રકૃતિની વધુ નજીક રહ્યાં. બાળપણમાં એક સંબંધીના ઘરે જતાં, ત્યાં અલગ-અલગ જારમાં સાપ જોવા મળતા. નાનપણમાં આ દૃશ્ય તેમના માટે કુતૂહલનો વિષય બનતું.
જ્યારે તેમણે સાપનું રેસ્ક્યુ કરવાનું શરૂૂ કર્યું ત્યારે આ જ સંબંધી પાસેથી તેમને સાપ વિશે ઘણી મહત્વની માહિતી મળી. જેમ કે, બપોરના સમયે સાપને રેસ્ક્યુ કરી શકાય, પરંતુ બપોરના તડકામાં તેને છોડવો યોગ્ય નથી. આવી બાબતો શીખતાં-શીખતાં ધીમે ધીમે તેમને સાપની ઓળખ થવા લાગી. સાપ વિશે વાંચન શરૂૂ કર્યું અને ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી પણ શરૂૂ કરી.
સાપને જોઈને ડરવાનું કારણ અજ્ઞાનતા છે
અમીબેનના અનુભવ મુજબ, લોકો સાપને જોતાં જ તેને મારી નાખે છે અને તેનું મુખ્ય કારણ છે ડર.
તેઓ કહે છે કે, સૌપ્રથમ આપણી પાસે પૂરતું જ્ઞાન નથી. આપણે ગાય, ભેંસ, ઘેટાં, બકરાં કે વાંદરાથી કેમ નથી ડરતા? કારણ કે આપણને તેમના વિશે જાણકારી છે. પરંતુ સાપ એક એવો જીવ છે કે ભલભલા લોકો પણ તેનાથી ડરે છે. આ ડર પાછળ સાચી-ખોટી અનેક માન્યતાઓ છે. બીજા ડરે છે એટલે આપણે પણ ડરવું જોઈએ, એવી માનસિકતા બની જાય છે.
તેઓ ઉદાહરણ આપતાં કહે છે કે જો ઘરમાં માતા ગરોળીને જોઈને ડરતી હોય તો તેનાં બાળકો પણ ગરોળીથી ડરવા લાગે છે. આવી જ રીતે પેઢી દર પેઢી સાપ વિશેનો ડર આગળ વધતો રહે છે અને અંતે ડરના કારણે સાપને મારી નાખવામાં આવે છે, જે યોગ્ય નથી.
ચોમાસામાં સાપ દરની બહાર કેમ આવે છે?
સાપ વિશે માહિતી આપતાં અમીબેન કહે છે કે ચોમાસાની શરૂૂઆત થાય અને વરસાદનું પાણી જમીનમાં ઉતરે ત્યારે સાપ ખોરાકની શોધમાં બહાર આવે છે. સાપ ઠંડા લોહીનો જીવ હોવાથી બહાર આવીને ગરમાવો મેળવવા માટે ઘરની આસપાસ, ફળિયામાં પડેલા ભંગાર, નકામા ટાયર, સાયકલ કે અન્ય વસ્તુઓની વચ્ચે સંતાઈ જાય છે.
આવી જગ્યાએ સાપ જોવા મળે એટલે લોકો ડરી જાય છે, પરંતુ દરેક સાપથી ડરવાની જરૂૂર નથી. અમીબેનના જણાવ્યા મુજબ, ગુજરાતમાં સાપની 64 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી ચાર પ્રજાતિ ઝેરી છે અને એક પ્રજાતિ મુખ્યત્વે ડાંગ વિસ્તારમાં જોવા મળે છે.
આ માહિતી લોકો સુધી પહોંચતી ન હોવાથી તેઓ જ્યાં પણ સ્નેક રેસ્ક્યુ માટે જાય છે ત્યાં એકત્રિત થયેલા લોકોને સાપ વિશે સમજાવે છે. સાપ ક્યાંથી આવ્યો, તેની પ્રજાતિ કઈ છે, તે ઝેરી છે કે બિનઝેરી છે વગેરે.
પરંતુ રેસ્ક્યુ દરમિયાન એકત્રિત થયેલા લોકો સુધી જ આ માહિતી મર્યાદિત ન રહે તે માટે અમીબેન શાળા-કોલેજો તેમજ કેટલીક સરકારી સંસ્થાઓમાં પણ સર્પજાગૃતિના કાર્યક્રમો કરે છે. ગ્રામ્ય વિસ્તારોમાં જઈને એક સાથે પાંચ-છ ગામના સરપંચો તેમજ ખેતરમાં કામ કરતી મહિલાઓને પણ તેમની ભાષા અને સમજ મુજબ સાપ વિશે માહિતી આપે છે.
ઘણી વખત સાપ કરડી જાય ત્યારે વ્યક્તિ ડરના કારણે ગંભીર સ્થિતિમાં પહોંચી જાય છે. જો કે હવે સાપના ઝેર સામે સારવાર માટે એન્ટિવેનોમ ઉપલબ્ધ છે, તેથી સાપ કરડે ત્યારે ગભરાવાની જગ્યાએ તાત્કાલિક યોગ્ય તબીબી સારવાર લેવી જરૂૂરી છે.
સાપ ખેડૂતોનો મિત્ર અને ઇકોસિસ્ટમનો રખેવાળ
અમીબેન માને છે કે પ્રકૃતિમાં કંઈ પણ નકામું કે બિનઉપયોગી નથી. સાપને ખેડૂતોનો મિત્ર કહેવામાં આવે છે અને પ્રકૃતિમાં તેનું સૌથી મોટું કામ ઇકોસિસ્ટમનું સંતુલન જાળવી રાખવાનું છે.
સાપ ઉંદર, દેડકા અને અન્ય નાના જીવજંતુઓને ખોરાક તરીકે ગ્રહણ કરીને તેમની સંખ્યા નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખેતરમાં પાક આવે ત્યારે ઉંદરનો ત્રાસ વધે છે, પરંતુ આસપાસ સાપ હોય તો તે કુદરતી રીતે આ સંતુલન જાળવવામાં મદદ કરે છે.
અમીબેનનું સ્વપ્ન છે કે દરેક નાગરિક સાપને ઓળખે, તેને સમજે, તેનો મિત્ર બને અને પ્રકૃતિના આ રખેવાળની કાળજી લે.
સ્નેક રેસ્ક્યુઅર બનવા માટે કયા ગુણ જરૂરી?
સૌ પ્રથમ સાપ વિશે પૂરતું જ્ઞાન હોવું જરૂૂરી છે. ઘણીવાર બહારથી સાપનો દેખાવ એકસરખો લાગે છે, પરંતુ તેની લાક્ષણિકતાઓ અલગ હોય છે. વર્ષોના અનુભવ પછી પણ સ્નેક બાઈટ થઈ શકે છે, તેથી સાપનું બિહેવિયર સમજવું ખૂબ જરૂૂરી છે.
સામે સાપ હોય ત્યારે હિંમત, સૂઝબૂઝ અને નિડરતા જરૂૂરી છે. ખાસ કરીને જ્યારે આસપાસ લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હોય ત્યારે મગજ શાંત રાખીને યોગ્ય નિર્ણય સાથે કામ કરવું ખૂબ જરૂૂરી બની જાય છે.
સાપ દેખાય તો આટલું કરો
અમીબેન જણાવે છે કે ગુજરાતમાં અનેક પ્રકૃતિપ્રેમીઓ અલગ-અલગ વિસ્તારોમાં ખૂબ સારું સ્નેક રેસ્ક્યુનું કામ કરી રહ્યા છે. તેમના સંપર્ક નંબર સંબંધિત વિસ્તારોમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે ઉપલબ્ધ હોય છે.
ક્યાંય પણ સાપ દેખાય તો તેને કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડ્યા વગર સ્થાનિક પોલીસ અથવા વન વિભાગનો સંપર્ક કરી રેસ્ક્યુઅરને બોલાવવો જોઈએ. નિષ્ણાંત રેસ્ક્યુઅર દ્વારા સાપને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરાવી તેને તેના કુદરતી રહેઠાણમાં છોડવો જોઈએ.
સાપ વિશેની ગેરમાન્યતાઓથી દૂર રહો
સાપ દૂધ પીવે છે આ માન્યતા ખોટી છે. પોતાના સ્વાર્થ માટે કેટલાક મદારી સાપને પકડીને ઘણા દિવસો સુધી ખોરાક-પાણી આપતા નથી અને ત્યારબાદ વાર-તહેવારે તેની સામે દૂધ મૂકે છે. સાપ દૂધ પીતો દેખાય છે, પરંતુ દૂધ તેના કુદરતી આહારનો ભાગ નથી અને તે તેના માટે નુકસાનકારક બની શકે છે.
બીન વગાડવાથી સાપ ડોલે છે. આ પણ ખોટી માન્યતા છે. સાપને બહારના કાન હોતા નથી. બીનના અવાજથી નહીં, પરંતુ બીન વગાડનારની હિલચાલને અનુસરીને સાપ પોતાની મૂવમેન્ટ કરે છે.
સાપ ફૂંફાડો મારે તો માણસનું શરીર સડી જાય છે. આ પણ અંધશ્રદ્ધા છે. સાપનો ફૂંફાડો માણસનું શરીર સડાવી શકતો નથી
