યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ કોલેજો અને યુનિવર્સિટીઓ સહિત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ રોકવા બનાવેલા નવા નિયમોના કારણે દેશભરમાં બબાલ થઈ ગઈ છે ત્યારે અંતે સુપ્રીમ કોર્ટે વચ્ચે પડીને હાલ પૂરતો નવા નિયમોના જીનને બાટલીમાં પૂરી દીધો છે. આ નિયમો વિરુદ્ધ થયેલી અરજી પર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે નવા યુજીસી નિયમો પર સ્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમામે પહેલી નજરે જ આ નિયમોની ભાષા અસ્પષ્ટ લાગે છે તેથી તેનો દુરુપયોગ થઈ શકે છે.
સુપ્રીમ કોર્ટના સ્ટેના કારણે યુજીસી પ્રમોશન ઓફ ઇક્વિટી રેગ્યુલેશન્સ 2026નો અમલ હાલ પૂરતો અટકી જશે પણ તેનાથી બહુ હરખાવાની જરૂૂર નથી કેમ કે સુપ્રીમ કોર્ટે સ્ટે આપીને હાલ પૂરતી બબાલ ટાળી છે, નિયમોને કચરાટોપલીમાં ફેંકયા નથી. સુપ્રીમ કોર્ટે યુજીસીને નિયમો ફરીથી બનાવવા ફરમાન કર્યું છે. તેનો મતલબ એ થયો કે, નવા નિયમો નહીં આવે ત્યાં લગી શાંતિ રહેશે પણ જેવા નવા નિયમો આવશે એવી બબાલ પાછી શરૂૂ થશે. આ નવા નિયમોને પડકારતી અરજીમાં દાવો કરાયો હતો કે, આ નિયમો બંધારણની કલમ 14ની વિરુદ્ધ છે. કલમ 14 ભારતમાં જ્ઞાતિ, વર્ગ, વર્ણ, ધર્મ અથવા સંપ્રદાયના આધારે કરાતા કોઈ પણ ભેદભાવની વિરુદ્ધ છે. યુજીસીના નવા નિયમોમાં માત્ર જ્ઞાતિ આધારિત ભેદભાવની વાત કરાઈ છે અને દલિત, આદિવાસી, ઓબીસી વિદ્યાર્થીઓ સાથે જ ભેદભાવ થતો હોય છે એવું પ્રસ્થાપિત કરીને તેમને જ ફરિયાદ કરવાનો હક અપાયો છે.
હિંદુ સવર્ણો કે મુસ્લિમ, ખ્રિસ્તી, ચહુદી, જૈન, પારસી વગેરે લઘુમતી વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાતો હોય તો તેમણે શું કરવું તેની કોઈ ચોખવટ નથી. કેન્દ્ર સરકાર અને તેની તાબેદાર સંસ્થાઓ બધું ખાનગીમાં કરવામાં માહિર છે તેથી મોટા ભાગનાં લોકોને તો 13 જાન્યુઆરીથી છાનામાના અમલી બનાવી દેવાયેલા આ નિયમો શું છે તેની જ ખબર નથી. આ સંજોગોમાં સૌથી પહેલાં તો આ નિયમો જાણવા જરૂૂરી છે. યુજીસી પ્રમોશન ઓફ ઇક્વિટી રેગ્યુલેશન્સ 2026 હેઠળ, સરકારી અને ખાનગી કોલેજો તથા યુનિવર્સિટીઓ સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ઇક્વિટી સેલ એટલે કે ઈક્વોલ ઓપર્ચ્યુનિટી સેલ બનાવવો પડશે. આ સેલ એક કોર્ટ જેવો હશે કે જ્યાં એસસી, એસટી, ઓબીસી કે દિવ્યાંગ વિદ્યાર્થી પોતાની સાથે ભેદભાવ થયાનું લાગે તો ફરિયાદ નોંધાવી શકશે.સંસ્થાએ સમિતિની ભલામણો માનવી અને તાત્કાલિક પગલાં લેવાં ફરજિયાત છે.
જે સંસ્થા ભલામણો નહીં માને તેની માન્યતા રદ કરી દેવાશે અથવા ગ્રાન્ટ રોકી દેવાશે. આ ઉપરાંત હેલ્પલાઇન અને ઇક્વિટી સમિતિઓ બનાવવી પડશે તથા યુજીસીને નિયમિત રિપોર્ટ મોકવલો પડશે. માર્ગદર્શિકાનું કડક પાલન કરવાની કાનૂની જવાબદારી સંસ્થાના વડાની રહેશે. મજાની વાત પાછી એ છે કે, ઇક્વિટી સેલમાં ઓબીસી, વિકલાંગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ રાખવું ફરજિયાત છે પણ સવર્ણ કે ધાર્મિક લઘુમતીનાં લોકો નહીં હોય. મતલબ કે, ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં.
