રાજ્યના બજેટમાં એક વર્ષ પહેલાં ઘેડ વિસ્તારના વિકાસ અને કાયમી નિરાકરણ માટે 1500 કરોડ રૂૂપિયાની ફાળવણી જાહેર કરવામાં આવી હતી. એક વર્ષ પૂર્ણ થવા છતાં હકીકતમાં કેટલો ખર્ચ થયો અને કેટલા કામો પૂર્ણ થયા તેની સ્પષ્ટ માહિતી જાહેર ન થતા કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સરકાર સામે તીખી પ્રતિક્રિયા આપી છે. પાલ આંબલિયાએ જણાવ્યું કે 1500 કરોડમાંથી કેટલા રૂૂપિયા વપરાયા, કેટલા રૂૂપિયાની સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી અપાઈ, કેટલા કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ અને ગયા વર્ષે કેટલા કામો જમીન પર પૂર્ણ થયા તેની વિગત જાહેર કરવી જોઈએ.
તેમણે વધુમાં પૂછ્યું કે ગયા વર્ષે શરૂૂ કરાયેલા કામોમાંથી કેટલા કામો આ વર્ષે પણ ચાલુ છે, ચાલુ વર્ષે કેટલા નવા કામો શરૂૂ કરાયા અને બાકી રહેલા કામો ક્યાં સુધી પૂર્ણ થશે. તેમણે કહ્યું કે ઘેડ વિસ્તારનો પ્રાણ પ્રશ્ન વર્ષોથી યથાવત છે અને માત્ર બજેટની જાહેરાતોથી લોકોના પ્રશ્નો હલ થતા નથી. એક વર્ષ બાદ ઘેડવાસીઓ જાણવા માંગે છે કે તેમને મળ્યું શું? એમ કહી તેમણે સરકારને વિગતવાર પ્રગતિ અહેવાલ જાહેર કરવાની માંગ કરી. હવે સરકાર તરફથી આ મુદ્દે શું સ્પષ્ટતા આવે છે તે પર સૌની નજર રહેશે.
