2030માં 70થી વધુ દેશો વચ્ચેની જગવિખ્યાત કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે અને એ માટેની તૈયારીઓ જોવા ભારત આવેલા કોમનવેલ્થ સ્પોર્ટના પ્રમુખ ડોનલ્ડ રુકારેએ અમદાવાદમાં આ રમતોત્સવ માટે થઈ રહેલી તૈયારીઓ બાબતમાં સંતોષ વ્યક્ત કર્યો છે ત્યારે ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે ‘અમે દેશી-વિદેશી ઍથ્લીટો અને ખેલાડીઓ માટે આ રમતોત્સવ યાદગાર બનાવી દઈશું.’
રુકારેની સાથે સી.ઇ.ઓ. કેટી સેડલેઇર અને ડિરેકટર ઑફ ગેમ્સ ડેરેન હોલ પણ અમદાવાદ આવ્યા અને તેમણે અમદાવાદ સહિતના શહેરોમાં કોમનવેલ્થ માટેની તૈયારીઓનું અવલોકન કર્યું હતું. તેઓ ગાંધીનગર, વડોદરા તથા એક્તા નગર ખાતે પણ ગયા હતા અને રમતોત્સવ માટેના સ્થળો તેમ જ માળખાકીય સગવડોની તૈયારી બાબતમાં સંતોષ વ્યક્ત કર્યો હતો. રુકારેએ કહ્યું, ‘અમદાવાદ ગે્રન્ડ શો માટે એકદમ તૈયાર છે.’ કોમનવેલ્થ ગેમ્સને 2030ની સાલમાં 100 વર્ષ પૂરા થશે. સ્પોર્ટ્સ મિનિસ્ટર માંડવિયાએ જણાવ્યું હતું કે ‘અમે અમારી તેજસ્વીતા અને સંસ્કૃતિ સાથે વિશ્વના વિવિધ દેશોના સ્પર્ધકો આવકારવા માટે તૈયાર છીએ. અમે કોમનવેલ્થ ગેમ્સના આ શતાબ્દિ રમતોત્સવને યાદગાર બનાવી દઈશું.’ ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ આ પહેલાં 2010માં દિલ્હીમાં યોજાઈ હતી. 2030નો આ રમતોત્સવ યોજવા માટેની હરીફાઈમાં ભારતે નાઇજિરિયાને હરાવીને યજમાનપદ જીતી લીધું છે.
