મુંજકા તથા મોટામવાના વિસ્તારોને પીવાનું પાણી મળશે, વરસાદી પાણીના નિકાલ માટે અનેક વિસ્તારોમાં સ્ટોર્મ વોટર યોજના તૈયાર કરાશે
મિલકતવેરા વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ યોજનાને મંજૂરી: સંભવત: તા.10 એપ્રિલથી શરૂ થશે
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠક આવતી કાલે મળનાર છે. કમિશનર વિભાગમાંથી અલગ અલગ કામો 39 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે પૈકી અત્યાર સુધી વોર્ડ ઓફિસ અને આરોગ્ય કેન્દ્ર વિહોણા વોર્ડ નં. 11ને હવે આ બન્ને પ્રોજેક્ટની ભેટ આપવામાં આવી છે. સ્ટેન્ડીંગમાં રજૂ થયેલ દરખાસ્ત મુજબ વોર્ડ નં. 11માં કણકોટ રોડ ઉપર મવડી સ્મશાનથી આગળ ક્રિસ્ટલ હેવનના એપાર્ટમેન્ટની સામેના પ્લોટ ઉપર રૂા. 6.60 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર અને વોર્ડ ઓફિસ બનાવવાની દરખાસ્ત આવતી કાલે મંજુર કરવામાં આવશે. તેવી જ રીતે કર્મચારીઓને આરોગ્ય સહાય તથા રોડ-રસ્તા, ડીઆઈ પાઈપલાઈન, બોક્સ કલ્વર્ટ સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
મનપાની આવતી કાલની સ્ટેન્ડીંગમાં રજૂ થેયલ દરખાસ્ત પૈકી વોર્ડ નંબર 11 માં રૂા. 3.91 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. જેમાં લેબોરેટરી, નર્સિંગ રૂમ, બાળકોનો વેક્સીન રૂમ, મેડીકલ ઓફિસર રૂમ, અમૃતમ કાર્ડની કામગીરી માટે રૂમ, જનરલ સ્ટોર, મેડીકલ સ્ટોર, કેસબારી, સોલાર સિસ્ટમ સહિતની સુવિધા સાથે અંદાજે 1229.55 ચો.મી. જ્યામાં તૈયાર કરવામાં આવશે.
તેવી જ રીતે કણકોટ રોડ ઉપર ગોલ્ડ ટ્વીન ફ્લેટ પાસે ટીપી સ્કીમ નંબર 27 ફાઈનલ પ્લોટ નંબર 29ના પ્લોટ ઉપર રૂા. 2.97 કરોડના ખર્ચે આધુનિક વોર્ડ ઓફિસ તૈયાર કરવામાં આવશે. આ વોર્ડ ઓફિસ અંદાજે 756.09 ચો.મી. જગ્યામાં તૈયાર થશે જેમાં ટેક્સ ઈન્સ્પેક્ટર રૂમ, જનરલ સ્ટોર, સોલીડ વેસ્ટ શાખા માટેની ઓફિસ, વોર્ડ ઓફિસર રૂમ, ટોઈલેટ, ટેક્સ કલેક્શન ઓફિસ સાથે સીસીટીવી તેમજ સોલાર સિસ્ટમ અને રેઈન વોટર હાર્વેસ્ટીંગ સહિતની સુવિધા સાથેનો તૈયાર કરવામાં આવશે. આ બન્ને પ્રોજેક્ટનો કુલ પ્રોજેક્ટ રૂા. 6.60 કરોડ અંદાજવામાં આવ્યો છે. જેની દરખાસ્ત આવતી કાલે મંજુર થયા બાદ વર્ક ઓર્ડર આપી કામ તુરંત ચાલુ કરાવવામાં આવશે. વોર્ડ નં. 11માં વોર્ડ ઓફિસ અને આરોગ્ય કેન્દ્ર મંજુર થતાં આ વિસ્તારના બે લાખથી વધુ લોકોની તેનો લાભ મળશે.
પેડક રોડના સ્વીમિંગ પુલનું થશે રિનોવેશન
શહેરના વોર્ડ નં. 5 માં પેડક રોડ ઉપર આવેલ વિવેકાનંદ સ્વીમીંગપુલને રિનોવેશન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની દરખાસ્ત તૈયાર કરી સ્ટેન્ડીંગમાં મુકવામાં આવી છે. એસ્ટીમેન્ટ મુજબ રૂા. 73.56 લાખના ખર્ચે સ્વીમીંગપુલમાં ચેકર્ડ ટાઈલ્સ, ગ્લેઝ ટાઈલ્સ, ચાઈના મોજેક ટાઈલ્સ, એફઆરપી કોટીંગ, વોટર પ્રુફીંગ, પ્લાસ્ટર તેમજ ટોઈલેટનું કામ અને પ્લમ્બીંગ કામ કરી રિનોવેશન કરવામાં આવશે.
સર્વેશ્ર્વર વોંકળાની વધારાના શંકાસ્પદ ખર્ચની દરખાસ્ત ફરી મુકાઈ
મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં વોર્ડ નં. 7 માં સર્વેશ્ર્વર ચોકથી યાજ્ઞિક રોડને જોડતા હયાત વોકળાને ડાયવર્ટ કરી નવુ બોક્સ કલ્વર્ટ બનાવવા માટેની રિવાઈટ ખર્ચ મંજુર અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ગત સ્ટેન્ડીં કમિટીની બેઠકમાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવેલ પરંતુ વોકળો ડાયવર્ટ કરવા માટે એસ્ટીમેટ ખર્ચના 30%થી વધુ રકમ રિવાઈઝ તરીકે માંગવામાં આવેલ છે. જે યોગ્ય ન લાગતા દરખાસ્ત પરત કરવામાં આવેલ છતાં આ વખતે ફરી વખત આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ અંગે અગાઉ સ્ટેન્ડીંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવેલ કે, 50 કરોડથી વધુની રકમના મોટા પ્રોજેક્ટોમાં પણ રિવાઈઝ રકમ માગવામાં આવેલ અને તે પણ પાંચ ટકાથી વધુ ન હોય ત્યારે ફક્ત ચાર કરોડના કામમાં રિવાઈઝ કરવા માટે દોઢ કરોડથી વધુની રકમનો વધારો કરવામાં આવ્યો છે. જે શંકાસ્પદ હોવાથી આ દરખાસ્ત પરત કરવામાં આવી છે અને અધિકારીઓને એસ્ટીમેન્ટ મુજબ વધુ રકમ કેટલી ચુકવવી પડે તે અંગેની તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. છતાં આવતી કાલની સ્ટેન્ડીંમાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જે મંજુર થશે કે કેમ તે અંગે અત્યારથી ચર્ચા જાગી છે.
જામનગર રોડથી સ્માર્ટ સિટી સુધીનો રોડ ડેવલોપ કરાશે
શહેરને ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે નવા રીંગ રોડનું કામ પુરજોશમાં ચાલુ છે. જામનગર રોડથી શરૂ થતાં રીંગરોડ-2ને ડેવલોપ કરવા માટે આવતી કાલની સ્ટેન્ડીં કમિટિની બેઠકમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં વેસ્ટઝોન હેઠળનો રીંગરોડ-2 જામનગર હાઈવેથી સ્માર્ટસીટી સુધી ફેઈઝ-1 અંતર્ગત રૂા. 26.13 કરોડના ખર્ચે ડેવલોપ કરાશે. આ કામે અંદાજે 2100 રનીંગ મીટરના રસ્તા પર બન્ને તરફ 10.50 મીટરનો કેરેઝ-વે, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન તથા બે બોક્સ કલ્વર્ટ અને ચાર પાઈપ કલ્વર્ટના કામનો સમાવેશ કરવામાં આવેલ છે. વિશેષમાં આ કામ થવાથી આશરે 5,00,000 લોકોને ફાયદો થશે.
જનભાગીદારી સહિતના 2659 લાખના કામો માટે સરકાર પાસે મંજૂરી મગાઈ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગથ જન ભાગીદારી યોજના હેઠળ કરવામાં આવતા વિકાસના કામો માટે સ્થાયી સમિતિની મંજુરી મેળ્યા બાદ સરકાર પાસે મંજુરી માગવામાં આવતી હોય છે. જે અંતર્ગત અંદાજીત 70% સહાય રાજ્ય સરકાર દ્વારા ચુકવામાં આવે છે. આથી મહાનગરપાલિકા દ્વારા પેવીંગ બ્લોક, સીસી રોડ, સોલ્ડર પેવીંગ, મેટલીંગ કામ સહિતના જનભાગીદારીના કામોનું દરખાસ્ત આવતી કાલની સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે. જે મંજુર થયા બાદ રાજ્ય સરકારને મંજુરી અર્થે મોકલવામાં આવશે. સરકારની જનભાગીદારી યોજના મુજબ રાજ્ય સરકાર દ્વારા 20% એટલે કે, રૂા. 1861.23 લાખ તેમજ લોકફાળાની રકમ રૂા. 532.24 લાખ તથા ધારાસભ્ય તથા સોસાયટી અને કોર્પોરેટરની 10% રકમ પેટે રૂપિયા 265.80 લાખ મળી કુલ રૂા. 2659.27 લાખના વિકાસ કામો માટેનું આયોજન આગામી વર્ષ માટે કરવામાં આવ્યું છે. તેની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ગાંધીનગર ખાતે મંજુરી અર્થે મોકલવામાં આવશે.
રેસકોર્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફ્લડની જગ્યાએ એલઈડી લાઈટ નખાશે
રાજકોટ મહાનગરપાલિકાના રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં હાલમાં કાર્યરત ફ્લડ લાઈટને એલઈડી લાઈટમાં રૂપાંતરણ કરવા માટેની દરખાસાત સ્ટેન્ડીંગમાં રજૂ કરવામાં આવી છે. અંદાજીત એસ્ટીમેન્ટ મુજબ રૂા. 1.67 કરોડના ખર્ચે તમામ ટાવરમાં એલઈડી લાઈટ ફીટ કરવામાં આવશે. જેના લીધે આ ્રગ્રાઉન્ડ ઉપર રાત્રીના સમયે અલગ અલગ પ્રકારની રમતો રમવા માટે ખેલાડીઓને સરળતા રહેશે.
શહેરમાં નવા 62 સ્થળે વાહનો પાર્ક કરવા ચૂકવવા પડશે નાણા
સ્માર્ટસીટી કાર્યક્રમ અંતર્ગત શહેરીજનોને ટ્રાફિક સમસ્યાથી મુક્ત કરવાના આશયથી મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સ્થળે આવેલ મનપાના ખાલી પ્લોટ ઉપર પે એન્ડ પાર્ક શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની નવી પાર્કિંગ પોલીસીની મંજુરી મળ્યા બાદ નિર્ણય લેવાયો છે. જેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ અને હવે વેસ્ટઝોન, સેન્ટ્રલઝોન અને ઈસ્ટઝોનમાં 62 સ્થળે પે એન્ડ પાર્કિંગ સાઈટ શરૂ કરવામાં આવશે જેમાં મુખ્ય ત્વે નવી સાઈટો મુજબ વોકાર્ડ હોસ્પિટલના સામેનો ભાગ, જડુસ ચોકથી પુષ્કરધામ સુધી બ્રીજ નીચે, રૈયા ચોકડીથી ઈન્દિરા સર્કલથી આથમણી બાજુનૌો ભાગ, નાના મૌવા સર્કલથી બીગબઝાર સુધી આથમણી સાઈડનો ભાગ, સત્યસાંઈ મેઈન રોડ મવડી ચોકડીથી ગોંડલ ચોકડી તરફ બ્રીજ નીચેનો ભાગ, હોસ્પિટલ ચોકથી જામનગર રોડ બ્રીજ નીચે તથા કેશરીહિંદ પુલ બ્રીજ નીચેનો ભાગ તેમજ ગ્રાન્ડ ઠાકર હોટલ સામે બ્રીજ નીચેનો ભાગ અને ઈસ્ટઝોનમાં મહાનગરપાલિકાના ઓપન પ્લોટ ટીપી સ્કીમ નં. 11 પ્લોટ નં. 46 વોર્ડ નં. 18 તેમજ અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ સહિતના ઓપન પ્લોટ સહિતના 62 પ્લોટ પર પે એન્ડ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
