જામનગર શહેરના મહાવીર સોસાયટી વિસ્તારમાં ગીતા મંદિર પાસે આજે જૂના મકાનની જર્જરિત દિવાલનો ભાગ તૂટી પડતાં ત્યાં કામ કરી રહેલા ત્રણ શ્રમિકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પરપ્રાંતિય શ્રમિક સુનીલભાઈનું મૃત્યુ નીપજતાં શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મહાવીર સોસાયટી વિસ્તારમાં ગીતા મંદિર પાસે જયુભાઈ દાસાણીના મકાનમાં જૂની દિવાલ પાડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક જર્જરિત દિવાલનો ભાગ ધરાશાયી થતાં ત્યાં કામ કરી રહેલા સુનીલભાઈ, કારુભાઈ અને જતીનભાઈ ચૌહાણ કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
બનાવની જાણ થતાં જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી ત્રણેય શ્રમિકોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં સુનીલભાઈની હાલત અત્યંત ગંભીર હતી અને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે કારુભાઈ તથા જતીનભાઈ ચૌહાણને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતક સુનીલભાઈ તથા ઇજાગ્રસ્ત કારુભાઈ મૂળ એમ.પી.ના વતની હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતાં સિટી ‘બી’ ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
