દિલ્હીમાં લગભગ એક મહિનાથી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો અને ઉમેદવારોની રેલીઓ, શેરી સભાઓ અને પદયાત્રાઓ દ્વારા ચાલી રહેલા ચૂંટણી પ્રચારનો ઘોંઘાટ સોમવારે સાંજે 6 વાગ્યે બંધ થઈ ગયો છે.
દિલ્હીમાં આવતીકાલે 70 વિધાનસભા સીટો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ આવશે. આ વખતે દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો માટે 699 ઉમેદવારો મેદાનમાં છે. દરમિયાન ચુંટણી પંચે એક્ઝિટ પોલ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી મતદાન ચાલુ હોય ત્યાં સુધી તે જાહેર કરવા અને ડિબેટ ન યોજવા જણાવ્યું છે.
ચૂંટણી પ્રચાર દરમિયાન, ત્રણ મુખ્ય પક્ષો સત્તાધારી અઅઙ, વિપક્ષ ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર તીક્ષ્ણ પ્રહારો કર્યા હતા. આ ચૂંટણીમાં ત્રણેય પક્ષો વચ્ચે મતદારોને આકર્ષવા માટે લોકપ્રિય ચૂંટણી વચનો આપવાની સ્પર્ધા જોવા મળી હતી.
ત્યારે ભાજપ 26 વર્ષનો વનવાસ પૂરો કરીને સત્તામાં પાછા ફરવા માટે સખત પ્રયાસ કરી રહી છે. આ રીતે કોંગ્રેસ 12 વર્ષ બાદ દિલ્હીમાં સત્તાની બાગડોર સંભાળવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. દિલ્હી ચૂંટણીમાં ભાજપે 40 સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હતી. તેની કમાન ખુદ પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીધી હતી.
આ વખતે કોંગ્રેસે શીલા દીક્ષિતના શાસનમાં થયેલા વિકાસ કાર્યોને ટાંકીને લોકોને વોટ આપવા અપીલ કરી હતી. કોંગ્રેસે રસ્તા, પાણી, વીજળી અને શિક્ષણની દુર્દશાને ઉજાગર કરી લોકોને બેરોજગારી અને મોંઘવારીમાંથી મુક્તિ અપાવવાનું વચન આપ્યું હતું.
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (ઈઊઘ) દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, 5 ફેબ્રુઆરીએ 1.56 કરોડ મતદારો 13,766 મતદાન મથકો પર તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પાત્ર છે. તેમાંથી 83.76 લાખ પુરૂૂષો, 72.36 લાખ મહિલાઓ અને 1,267 ત્રીજા લિંગના મતદારો છે. મતદાન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે, દિવ્યાંગો માટે 733 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે.