લાઈસન્સ એક્સપાયર થયું છતાં વિશ્ર્વમ એજન્સીના સુપરવાઇઝરે ડ્રાઇવરને બસ ચલાવવા આપી’તી: ધરપકડ

  રાજકોટમાં સિટી બસની ટક્કરથી ચાર લોકોના મોતની દુ:ખદ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે વિશ્વમ એજન્સીના સુપરવાઇઝર નિલેશ ચાવડાની ધરપકડ કરી છે. આ ઘટનામાં ગંભીર બેદરકારીનો ખુલાસો…

 

રાજકોટમાં સિટી બસની ટક્કરથી ચાર લોકોના મોતની દુ:ખદ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે વિશ્વમ એજન્સીના સુપરવાઇઝર નિલેશ ચાવડાની ધરપકડ કરી છે. આ ઘટનામાં ગંભીર બેદરકારીનો ખુલાસો થયો છે, કારણ કે નિલેશ ચાવડાએ બસ ડ્રાઇવરનું લાયસન્સ ચેક કર્યા વિના તેને બસ ચલાવવાની મંજૂરી આપી હતી. પોલીસે સુપરવાઇઝરની પૂછપરછ શરૂૂ કરી છે, જ્યારે ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાના નિવેદનોમાં અસંગતતા જોવા મળી છે.

આ ઘટના રાજકોટના વ્યસ્ત વિસ્તારમાં બની હતી.જ્યાં સિટી બસે અન્ય વાહનોને ટક્કર મારી, જેના પરિણામે ચાર લોકોના જીવ ગયા હતા.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે,ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાનું ડ્રાઇવિંગ લાયસન્સ ફેબ્રુઆરી 2025માં જ નિષ્ક્રિય થઈ ગયું હતું. આમ છતાં, એજન્સીના સુપરવાઇઝર નિલેશ ચાવડાએ લાયસન્સની ચકાસણી કર્યા વિના ડ્રાઇવરને બસ ચલાવવા દીધી, જે આ દુર્ઘટનાનું એક મુખ્ય કારણ બન્યું.
ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાએ પોલીસ સમક્ષ દાવો કર્યો કે બસનું સ્ટિયરિંગ લોક થઈ ગયું હતું અને બ્રેક ન લાગવાને કારણે અકસ્માત થયો હતો.

તેણે એમ પણ જણાવ્યું કે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભૂલથી તેનો પગ એક્સિલરેટર પર પડી ગયો હતો જેના કારણે બસ આગળ વધી અને અન્ય વાહનોને ટક્કર મારી હતી.જોકે, પોલીસે આ નિવેદનોને ગોળગોળ અને અસંગત ગણાવ્યા છે અને બસની ટેકનિકલ તપાસ શરૂૂ કરી છે.

ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, જે સિટી બસે અકસ્માત સર્જયો હતો તે બસ અટલ સરોવર ડેપોથી નીકળી હતી, ઘટનાના દિવસે અટલ સરોવર ડેપો પર સુપરવાઇઝર-ડ્યૂટી ઓફિસર તરીકે ઘંટેશ્વરમાં રહેતો નિલેશ પ્રભાત ચાવડા (ઉ.વ.30) ફરજ પર હતો અને તેણે ડ્રાઈવર શિશુપાલસિંહનું લાઇસન્સ ચેક નહીં કરવાની લાપરવાહી દાખવી હતી. જેથી આ ગુનામાં નિલેશ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછમાં અન્ય કોઇની પણ ભૂમિકા બહાર આવશે તો તેની સામે પણ કાર્યવાહી થશે તેવો નિર્દેષ ડીસીપી બાંગરવાએ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *