ગીર સોમનાથ જિલ્લામાં માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અભિયાન અંતર્ગત વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હાઇબ્રીડ જાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે.
વિશ્વસનીય બાતમીના આધારે વેરાવળની વાણંદ સોસાયટી નજીક આવેલા બગીચામાં દરોડો પાડવામાં આવેલ જેમાં પોલીસે આરોપી નિલેશકુમાર સોહનલાલ મેહરા ઉ.વ.24 રહે. ભાલકા ચામુંડા સોસાયટી વાળા ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી વનસ્પતિજન્ય હાઇબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂૂા.50,095 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 12.770 ગ્રામ હાઇબ્રીડ ગાંજો કિંમત રૂૂા.44,695, એક ઇલેક્ટ્રોનિક વજનકાંટો રૂૂા.300, મોબાઇલ ફોન રૂૂા.5,000 અને એક રેક્સીનનો થેલો રૂૂા.100 નો સમાવેશ થાય છે.
આ અંગે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(સી), 20(બી)(2) (એ), 29 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી પોતાના કબજામાં હાઇબ્રીડ ગાંજાનો જથ્થો રાખી છૂટક માં વેચાણ કરતો હતો. પોલીસે આ નશીલા પદાર્થોના નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
