રાજયભરમાં આર્થિક ભીંસના કારણે દરરોજ અનેક લોકો આત્મઘાતી પગલાં ભરી રહ્યાં હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ એક બનાવમાં ઉપલેટાના માખીયાળા ગામે ખેતી કામ કરતાં અને શાકભાજીનો ધંધો કરતાં યુવાને ધંધામાં નિષ્ફળતા મળતાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. યુવકના આપઘાતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટા તાલુકાના માખીયાળા ગામે રહેતા ભવદીપ ગોબરભાઈ મકવાણા નામનો 21 વર્ષનો યુવાન આઠ દિવસ પૂર્વે પોતાના ઘરે હતો ત્યારે બપોરના બારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભાયાવદર પોલીસને જાણ કરતાં ભાયાવદર પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો.
પ્રાથમિક પુછપરછમાં મૃતક ભવદીપ મકવાણા બે ભાઈમાં નાનો અને અપરિણીત હતો. ભવદીપ મકવાણા ખેતી કામ અને શાકભાજીનો ધંધો કરતો હતો. ધંધામાં નિષ્ફળતા મળતાં ભવદીપ મકવાણાએ ઝેર પી જીવન ટૂંકાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ભાયાવદર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
