મ્યુનિ. કમિશનરે રજૂ કરેલા બજેટમાં પગાર ખર્ચ જ રૂા.510.17 કરોડ, લોન-બોન્ડ-હપ્તા-વ્યાજની ચૂકવણી પાછળ 88.70 કરોડ ખર્ચાશે
જમીન વેંચીને 585 કરોડ ઉભા કરવાનું આયોજન, હાઉસ ટેકસની રૂા. 517.33 કરોડ, FSIમાંથી 180 કરોડની આવકનો અંદાજ
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ આજે વર્ષ 2026-27નું બજેટ સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ રજુ કર્યુ છે ત્યારે કુલ રૂા.3254.05 કરોડની આવક સામે રૂા.3596.70 કરોડની જાવક અંદાજવામાં આવી છે.
મહાનગરપાલિકાની મુખ્ય આવકમાં જકાતની ગ્રાંટ રૂા.159.91 કરોડ, એફ. એસ. આઈ. વેંચીને અને ટી.પી.માંથી રૂા.335.91 કરોડ હાઉસ ટેકસમાંથી રૂા.517.33 કરોડ, જમીન વેંચાણમાંથી રૂા.585 કરોડ તેમજ સ્વર્ણિમ યોજના અંતર્ગત ગ્રાન્ટની આવક રૂા.689 કરોડ અંદાજવામાં આવી છે.
જ્યારે ખર્ચ જોઈએ તો મહેકમ (પગાર) પાછળ 510.17 કરોડ મુખ્ય ખર્ચ છે. આ સિવાય વોટર વર્કસ અને મરામત પાછળ રૂા.211.14 કરોડ, અન્ય મહેસુલી ખર્ચ રૂા.47 કરોડ, રોડ-રસ્તા નિભાવ-મરામત પાછળ રૂા.23.53 કરોડ, શિક્ષણ સેવામાં રૂા.49.53, ટ્રાન્સપોર્ટ પાછળ રૂા.54.04 કરોડ, ડ્રેનેજ નિભાવ મરામતમાં રૂા.68.82 કરોડ તેમજ સોલીડવેસ્ટ મેનેજમેન્ટ પાછળ રૂા.216.12 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
આ ઉપરાંત પાણી પુરવઠા યોજના પાછળ રૂા.574.75 કરોડ, ટી.પી.ડેવલપમેન્ટ અને જમીન ખરીદી માટે રૂા.295.56 કરોડ, રસ્તાઓ માટે રૂા.254.73 કારેડ, જાહેર સામાજિક સુવિધાઓ માટે 172.59 કરોડ, બ્રીજ પાછળ રૂા.143.59 કરોડ, સ્વચ્છ ભારત મિશન સહિત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને એર કવોલિટી માટે રૂા.119.10 કરોડ, લોન-બોન્ડના હપ્તા-વ્યાજની ચુકવણી માટે રૂા.88.90 કરોડ, આવાસ યોજનામાં 82.49 કરોડ, ફાયર અને ઈમરજન્સી 74.49 કરોડ, ડ્રેનેજ યોજના પાછળ રૂા.58.43 કરોડ, સ્પોર્ટસ-સ્ટેડિયમ-રમતગમત પાછળ 38.14 કરોડ અને લોક ઉપયોગી તથા વિકાસ કામો પાછળ રૂા.36.97 કરોડનો ખર્ચ કરવામાં આવનાર છે.
