સતત વિવાદોના વંટોળની વચ્ચે રહેતી વંથલી નગરપાલિકા ફરી એક વખત ચર્ચાના ચકડોળે ચડી છે. નગરપાલિકાની ચૂંટણી બાદ ભાજપ શાસિત નગરપાલિકામાં સદસ્યો અને ચીફ ઓફિસર વચ્ચે ચાલતા વિવાદનો અંત આવ્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વંથલી નગરપાલિકાના ચીફ ઓફિસર ડી.ડી ચાવડાને કુતિયાણા ખાતે બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ ખાસ સામાન્ય સભામાં સતત ગેરહાજર રહેતા હોવાથી વિકાસ કામ ન થઈ શકતા હોવાના આક્ષેપો કરી ચીફ ઓફિસરને સરકારમાં પરત મોકલવા ઠરાવ કરવામાં આવ્યો હતો.હાલ ચીફ ઓફિસર ની બદલીથી પાલિકાના પ્રમુખ સદસ્યો અને ચીફ ઓફિસર વચ્ચેના વિવાદનો અંત આવ્યો છે.
છેલ્લા 2.5 વર્ષ દરમિયાન વહીવટદાર શાસન માં આઇકોનિક રોડ,જી.વી.પી પોઇન્ટ, પબ્લિક ટોયલેટ,બ્રીજ,રોડ રેફ્રેસિંગ, પાણી પુરવઠા (નલ સે જલ) જેવા લોક ઉપયોગી 5 કરોડથી વધુની માતબર રકમના વિકાસલક્ષી કામો મહિલા ચીફ ઓફિસર દ્વારા કરાયા છે.વહીવટદાર સાશન દરમિયાન કરાયેલ લોકઉપયોગી કામોને લઈ શહેર કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસર નું સન્માન કરવામાં આવ્યું હતુ.કાર્યદક્ષ મહિલા અધિકારીની બદલીથી વિસ્તારના લોકોમાં હાલ તો નારાજગી જોવા મળી રહી છે.
સમગ્ર બાબતે ચીફ ઓફિસર ડી.ડી.ચાવડાએ કહ્યું કે સતત ગેરહાજરી ના આક્ષેપો છે તે તદન પાયાવિહોણા છે.કલેકટર કચેરી ખાતે થયેલ મીટીંગોમાં હાજરી હોય છે.પાલિકાના વહીવટી કાગળો માં સહીઓ થતી હોય છે.માટે ગેરહાજરી ની કોઈ વાત જ નથી આવતી હાલ થયેલ તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતુ.
