વડોદરા નજીક રેલવેમાં મુસાફરી દરમિયાન અલ્પદ્રષ્ટિ યુવાનની સાંકળથી ગળુ દબાવી હત્યા-લૂંટ કર્યાની કબૂલાત, સાયકો કિલરે કુલ છ લોથ ઢાળી
વલસાડના પારડી તાલુકાના મોતીવાળા વિસ્તારમાં રહેતી બી.કોમ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું 14 નવેમ્બરના રોજ અપહરણ કરી નજીકમાં આવેલી આંબાવાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાખવાના ગુનામાં ઝડપાયેલો આરોપી સિરિયલ કિલર રાહુલ ઉર્ફે ભોલુ કરમવિર ઈશ્વર જાટે દુષ્કર્મ અને હત્યાના પાંચ ગુનાને અંજામ આપ્યાનું ખુલ્યા બાદ રીમાન્ડ દરમિયાન વધુ એક હત્યા કબુલી છે. વડોદરાના પ્રતાપનગર રેલવે સ્ટેશનથી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી દરમિયાન અલ્પ દ્રષ્ટિ યુવાનની લુંટના ઈરાદે હત્યા કર્યાનું કબુલ્યું છે.
સિરિયલ કિલર રાહુલ ઉર્ફે ભોલુ કરમવિર ઈશ્વર જાટની જીલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસે રિમાન્ડ દરમિયાન પુછપરછ કરતા તેણે વધુ એક હત્યાની કબુલાત આપી હતી.
ગત તા.8મી જૂન 2024ના રોજ પ્રતાપનગર રેલવે સ્ટેશનથી પેસેન્જર ટ્રેનમાં મુસાફરી દરમિયાન દિવ્યાંગ ડબ્બામાં પોતાની સાથે મુસાફરી કરનાર એક અલ્પ દ્રષ્ટિ યુવાનને લૂંટી લેવાના ઈરાદે પ્રતાપનગર રેલવે સ્ટેશન પછી ત્રણેક રેલવે સ્ટેશન બાદ વાતચીત દરમિયાન વિશ્વાસમાં લઈ ટ્રેનમાંથી ઉતારી લીધો હતો. રેલવે સ્ટેશનથી વડોદરા જતાં મેઈન રોડ તરફ લઈ જઈ થોડે દુર આવેલા ખુલ્લા પ્લોટમાં આરોપી રાહુલ જાટ યુવાનને લઈ ગયો હતો. જયાં તેની સાથે ઝપાઝપી કરી તેનું સાકળથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. તેની પાસેથી રોકડા રૂૂપિયા તેમજ મોબાઇલ લૂંટી લીધા હતા.
આરોપી રાહુલે જાટે વર્ણવેલા વર્ણન મુજબ વડોદરા પ્રાથમિક પૂછપરછ કરાઈ હતી. જે આધારે ખાત્રી કરતાં આ બનાવ અંગે ડભોઈ પોલીસ મથક વિસ્તારમાં બન્યો હોય જે અંગે ડભોઈ પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. સિરિયલ કિલર રાહુલ ઉર્ફે ભોલુએ જેની હત્યા કરી તે યુવક મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાનો અક્કલકુવાનો ફયાઝ અહમદ મહેબુબ અહમદ શેખ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના પિતાએ ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે હત્યારા રાહુલ જાટ વિરુદ્ધ ફરીયાદ નોંધી હતી. પોલીસે સિરિયલ કિલરની રીમાન્ડ દરમિયાન યુક્તિ પૂર્વક પૂછપરછ કરતા વધુ હત્યાઓનો ભેદ ખુલવાની સંભાવના છે.
સિરિયલ કિલર સામે વધુ મજબૂત પુરાવાઓ એકત્રિત કરતી પોલીસ
વલસાડ જીલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાના માર્ગદર્શન પોલીસે વડોદરા રેલવે સ્ટેશન ડભોઇ પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે. સાથે અલગ અલગ રાજ્યોમાંથી રેલવે પોલીસની અલગ અલગ ટીમો પારડી પોલીસ મથકે ધામા નાખી તેમના વિસ્તારમાં રાહુલ જાટે આપેલી ઘટનાનો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે. આરોપી રાહુલના રિમાન્ડ દરમિયાન આરોપીને સાથે રાખીને વાપી રેલવે સ્ટેશન અને ઉદવાડા રેલવે સ્ટેશનના પાર્કિંગમાં લાગેલા સીસીટીવી ફૂટેજ સાથે ફેસ એનલિસી કરવામાં આવ્યું હતું. આરોપી વિરુદ્ધ વધુ મજબૂત પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
