600થી વધુ લોકો માટે રહેવા- જમવાની વ્યવસ્થા, ફસાયેલા સ્થળે જઇ તેડી આવે છે, સવારથી સાંજ સુધી વિવિધ કાર્યક્રમો થકી માનસિક સધિયારાના પ્રયાયો
મિડલ ઇસ્ટમાં યુદ્ધ ફાટી નીકળતા દુબઇમાં ફ્લાઇટ્સ રદ થવાથી ઘણા ભારતીય પરિવારો અટવાયા છે. હોટલના બિલ અને ચિંતાએ તેમને માનસિક રીતે તોડી નાખ્યા ત્યારે વૈષ્ણવ સંઘ યુએઇની ટીમ તેમની મદદે આવી છે. દ્વારકેશ લાલજીની પ્રેરણાથી વૈષ્ણવ સંઘ યુએઇની ટીમે હજારો કિલોમીટર દૂર પરદેશમાં માનવતાનો દીવો પ્રગટાવ્યો છે. જેની હૂંફ અહીં ભારતમાં બેઠેલા પરિવારો સુધી પહોંચી રહી છે. વૈષ્ણવ સંઘ યુએઇએ દુબઇમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી હતી સાથે જ સવારના યોગથી લઇને રાતની અંતાક્ષરી અને ફિલ્મો સુધી વૈષ્ણવ સંઘે એક એવું વાતાવરણ ઊભું કર્યું કે ડરેલા ચહેરાઓ પર ફરી સ્મિત આવ્યું છે. આવી યુદ્ધની પરિસ્થિતી વચ્ચે પણ એક પરિવાર બનીને લોકોને મદદ કરવાનું આ કામ કેવી રીતે શક્ય બન્યું એ જાણવા માટે વૈષ્ણવ સંઘ યુએઇના નિખિલ સાયાણી સાથે વાતચીત કરી હતી. તેઓ મૂળ અમદાવાદના વતની છે અને છેલ્લા 20 વર્ષથી દુબઇમાં રહે છે. તેમણે 3 કિસ્સા કહ્યાં.
નૈરોબીમાં રહેતી ગુજરાતી મહિલા યુકેમાં વસતા તેમના પરિવારના સભ્યો સાથે ફરવા માટે દુબઇ આવી હતી પણ ફ્લાઇટ બંધ થતાં બધા ફસાઇ ગયા હતા. દરમિયાન યુકેના પરિવારજનોની ફ્લાઇટ બૂક થઇ જતાં તેઓ જતાં રહ્યાં હતા અને નૈરોબીથી આવેલી મહિલા દુબઇમાં એકલી રહી ગઇ હતી. આ મહિલાને હોટલમાંથી પણ ચેકઆઉટ કરવું પડ્યું હતું. જેથી તે ખૂબ ટેન્શનમાં હતી. મહિલાએ જ્યારે વૈષ્ણવ સંઘ યુએઇની ટીમનો સંપર્ક કર્યો ત્યારે ટીમે તેમને કહ્યું કે તમારે કોઇ ચિંતા કરવાની જરૂૂર નથી. અમે તમારી મદદ કરીશું અને જ્યારે પણ તમારી ફ્લાઇટ બૂક થશે ત્યારે તમને ડ્રોપ પણ કરી દઇશું. જેના પછી મહિલાનો ડર દૂર થયો અને તેના ચહેરા પર ખુશી જોવા મળી. મુંબઇમાં રહેતા એક ગુજરાતી પરિવારના દીકરાને દુબઇમાં જોબ મળી હતી એટલે તેના માતાપિતા તેને દુબઇ મુકવા આવ્યાં હતા.
યુદ્ધ બાદ દુબઇની પરિસ્થિતિ જોઇ તેઓ ખૂબ જ ગભરાઇ ગયા હતા. આ પરિવાર વિશે જ્યારે વૈષ્ણવ સંઘ યુએઇને જાણ થઇ ત્યારે ટીમે પરિવારની મુલાકાત લીધી હતી અને તેના માતાપિતાને સમજાવ્યું કે તમે કોઇપણ પ્રકારની ચિંતા ન કરશો. અમે જે પણ મદદની જરૂૂર હશે તે પૂરી પાડીશું. આના પછી પોતાની કારમાં એ દીકરાને તેની જોબના સ્થળે પહોંચાડ્યો હતો. તેના માતા પિતાને ભારત આવવાની ફ્લાઇટ હતી એટલે વૈષ્ણવ સંઘ યુએઇની ટીમે તેમને ભરોસો અપાવ્યો કે અમે અહીંયા છીએ. તમે કોઇપણ ટેન્શન રાખ્યા વગર ભારત જાઓ. નિખિલ સાયાણીએ જણાવ્યું કે, મંગળવારે સાંજના સમયે અમે લોકોએ અમારી જોબ પતાવીને આપણાં ગુજરાતીઓ અને ભારતીયો સાથે મુલાકાત કરી હતી.
આ દરમિયાન અમે તેમની સાથે વાતચીત કરી હતી. જેમાં એક પરિવાર લોસ એન્જલસથી ભારત અને ભારતથી પાછો લોસ એન્જલસ જતો હતો. પરિવારે વૈષ્ણવ સંઘ યુએઇની ટીમને કહ્યું કે અમે આવી પરિસ્થિતિમાં ખૂબ માનસિક દબાણ અનુભવતા હતા પણ તમે એટલી સારી રીતે કાળજી રાખી છે કે અમને અહીં અમારા ઘર જેવું જ લાગ્યું. જે ટેન્શન હતું તે પણ હવે દૂર થઇ ગયું છે. હવે અહીં 600 લોકો રહી શકે તેવી વ્યવસ્થા છે નિખિલ જણાવે છે કે, ધીરે ધીરે સંખ્યા વધવા લાગી એટલે અમારી પાસે જે ખુલ્લી જગ્યા હતી ત્યાં બહાર મોટા ટેન્ટ તાત્કાલિક ઊભા કરાવડાવ્યાં અને ત્યાં પણ બિસ્તરથી લઈને કુલર અને ફેનની પણ વ્યવસ્થા કરી. જેથી લોકો સારી રીતે રહી શકે. આમ અંદાજે 600 કરતાં વધારે લોકો એક સાથે રહી શકે તેવી સુવિધા ઊભી કરી છે.
તેઓ કહે છે કે, અહીં અમે બેકઅપમાં એક સાથે 2 હજાર લોકોનું ભોજન બનાવી શકાય તેવી પણ તૈયારીઓ કરી દીધી છે. જેથી જો હજુ વધારે લોકો આવે તો તેમને પણ ભોજન પૂરું પાડી શકાય. આ સિવાય અમે અમારા સ્ટાફ મેમ્બર્સને પણ ગાડીના ડ્રાઇવર સાથે મોલ્સની બહાર સ્ટેન્ડબાયમાં રાખ્યાં છે. જેથી જો કોઇ વ્યક્તિને તાત્કાલીક મદદની જરૂૂર હોય તો તેને પણ હેલ્પ કરી શકાય. હવે જેમ જેમ ફ્લાઇટ્સનું બુકિંગ મળે છે તેમ તેમ લોકો અહીંથી વિદાય લઇ રહ્યાં છે. આ લોકો ફ્લાઇટના સમય પહેલાં સુરક્ષિત રીતે એરપોર્ટ પહોંચી શકે તે માટે તેમને ડ્રોપ કરવા સુધીની વ્યવસ્થા પણ વૈષ્ણવ સંઘ ઞઅઊની ટીમે કરી છે.
પ્રથમ કોલ ગુજરાતી ટુરિસ્ટનો
વૈષ્ણવ સંઘ યુએઇના 10 લોકોએ ફસાયેલા પ્રવાસીઓની મદદ કરવાનું નક્કી કર્યું હતું અને 1 માર્ચથી જ મદદની શરૂૂઆત કરી દીધી હતી. તેમણે સાંજે સોશિયલ મીડિયામાં એક પોસ્ટર અપલોડ કર્યું હતું. જેના પછી વહેલી સવારથી જ કોલ આવવાના શરૂૂ થઇ ગયા હતા. તેમને સૌથી પહેલો કોલ ગુજરાતી ટુરિસ્ટનો આવ્યો હતો. 50 લોકોનું ગ્રુપ તેમના ટૂર મેનેજર સાથે અહીં ફરવા આવ્યું હતું. અમારી આ પોસ્ટ જોઇને તેમણે કોલ કર્યો હતો. એ સમયે તેઓ ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતા પણ અમે તેમને સાંત્વના આપી અને કહ્યું તમે જરા પણ ચિંતા ન કરશો, અમે તમારી સાથે છીએ. એ પછી અમે તેમના લોકેશન પર પહોંચ્યાં અને તેમની હોટલ પરથી સ્પેશિયલ બસ કરીને અમારા શારજહાંના લોકેશન પર તેમને પહોંચાડ્યાં હતા.
