રાજકોટ મહાનગરપાલિકાનું આવતીકાલે શનિવારે મળનારું જનરલ બોર્ડ ભારે તોફાની અને ગરમાગરમ રહેવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં ચર્ચાસ્પદ બનેલા આવાસ ફાળવણી કૌભાંડના આક્ષેપો, પદાધિકારીઓ દ્વારા ગરીબોના આવાસની કથિત ખરીદ-વેચાણ પ્રક્રિયા અને જન્માષ્ટમી પર્વે મટકીફોડ કાર્યક્રમમાં થયેલા અંદાજે ₹32 લાખના જંગી ખર્ચની વિગતોને લઈને કોંગ્રેસે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. સભા દરમિયાન શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ આમને-સામને આવી જતાં જોરદાર હોબાળો સર્જાવાની પૂરી શક્યતા જોવાઈ રહી છે.
આવતીકાલના જનરલ બોર્ડમાં કુલ 25 જેટલા પ્રશ્નો રજૂ થનાર છે. જેમાં ભાજપના સભ્યો દ્વારા આવાસ યોજના, આરોગ્ય વિભાગ, આંગણવાડી, વોટર વર્ક્સ, વિજિલન્સ, જન્મ-મરણ નોંધણી તેમજ ટાઉન પ્લાનિંગ સંબંધિત કુલ 15 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા શાસક પક્ષને ભીંસમાં લેવા માટે આક્રમક પ્રશ્નોની યાદી તૈયાર કરાઈ છે. કોંગ્રેસે ખાસ કરીને જન્માષ્ટમી મટકીફોડ કાર્યક્રમમાં કરવામાં આવેલો 32 લાખનો ખર્ચ કયા નિયમો અને મંજૂરી હેઠળ થયો? રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં સરકારી યોજના હેઠળ બનેલા આવાસની કુલ સંખ્યા કેટલી છે અને તેમાંથી કેટલા ફ્લેટ હાલ ખાલી પડ્યા છે?મહાપાલિકાની આરોગ્ય શાખામાં તબીબો અને પેરામેડિકલ સ્ટાફની કેટલી ઘટ છે? આ તમામ મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચાની માંગ કરીને વિપક્ષ તંત્ર પાસેથી સત્તાવાર હિસાબ માંગવાની તૈયારી કરી રહ્યું છે.
જનરલ બોર્ડ પૂર્વે રાજકોટના ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી સાથે જોડાયેલો આવાસ વિવાદ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. શહેરના નટરાજનગરમાં આવેલી રાજીવ ગાંધી આવાસ યોજનાના ક્વાર્ટર નંબર 119ને લઈને વિવાદ સપાટી પર આવ્યો છે. આક્ષેપ છે કે આ ક્વાર્ટર ડેપ્યુટી મેયરના નામે બોલે છે, જ્યારે તેઓ અન્ય વિસ્તારમાં પોતાના અંગત મકાનમાં વસવાટ કરે છે. આ સિવાય ચૂંટણી વખતે રજૂ કરાયેલા સોગંદનામામાં પણ આ મિલકત છુપાવાઈ હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ પ્રકરણમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે રિયાલિટી ચેક દરમિયાન આ ક્વાર્ટરમાં આલાભાઈ સુરા નામનો વ્યક્તિ રહેતો હોવાનું સામે આવ્યું. આલાભાઈના દાવા મુજબ, તેમણે આશરે આઠ મહિના પહેલાં દક્ષાબેન વસાણી પાસેથી સીધો સંપર્ક કરીને ₹6 લાખ આપીને આ ક્વાર્ટર ખરીદ્યું હતું. સરકારી યોજના હેઠળ ગરીબોને ફાળવાતા આવાસનું આ રીતે ખાનગી વેચાણ થઈ શકે કે કેમ તે બાબતે અનેક કાયદાકીય સવાલો ઊભા થયા છે.
આવાસ યોજનાના નિયમો મુજબ ગરીબોને અપાતા આવાસોનું વેચાણ થઈ શકે નહીં, ત્યારે નટરાજનગરના ક્વાર્ટરનું વેચાણ અને ફાળવણી કયા આધારે થઈ તેમાં મનપાના એસ્ટેટ તથા હાઉસિંગ વિભાગના ઉચ્ચ અધિકારીઓની મિલીભગત છે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે. આવતીકાલે મળનાર જનરલ બોર્ડમાં કોંગ્રેસ પ્રજાના નાણાંના હિસાબ અને ગરીબોના હકના આવાસોની લહાણી મુદ્દે શાસક પક્ષ પર આકરા પ્રહારો કરશે, જેના કારણે બોર્ડમાં ભારે ધાંધલ-ધમાલ સર્જાવાની પૂરી શક્યતા છે.
દુકાન સામે દુકાન કે વળતર હોય તો આવાસ કઇ રીતે ફાળવી દેવાયુ : કોંગ્રેસ
આ સમગ્ર મામલે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીએ પોતાનો પક્ષ રાખતાં સ્પષ્ટતા કરી છે કે તેમણે આવાસ મેળવવા માટે કોઈ ફોર્મ ભર્યું નહોતું. ભૂતકાળમાં ગોપાલચોક ખાતે આવેલી તેમની દુકાન મનપા દ્વારા ડિમોલિશનમાં લેવાઈ હતી, જેના વળતર પેટે મનપા તંત્ર દ્વારા તેમને આ ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હતું. સાથોસાથ તેમણે સ્વીકાર્યું હતું કે આઠ મહિના અગાઉ તેમણે આ ક્વાર્ટર ₹6 લાખમાં વેચી દીધું છે.સામે પક્ષે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આ બાબતે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે, જો દુકાન કપાતમાં ગઈ હોય તો તેના બદલામાં દુકાન કે યોગ્ય વળતર મળે, પરંતુ ગરીબો અને ઝૂંપડપટ્ટીવાસીઓ માટે નિર્ધારિત આવાસ યોજનાનું મકાન કઈ રીતે ફાળવી શકાય? તેમણે સોગંદનામામાં વિગતો છુપાવવા બદલ મનપા કમિશનર અને મેયર સમક્ષ નિષ્પક્ષ વિજિલન્સ તપાસની માંગ કરી છે.
વોર્ડ નં. 6ના ભાજપ કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમારનું આવાસ પણ ચર્ચાની ચકડોળો
વિવાદ માત્ર ડેપ્યુટી મેયર પૂરતો સીમિત નથી. ભાજપના વોર્ડ નંબર 6ના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબેન પરમાર પાસે પણ સરકારી સંયુક્ત માલિકીનું આવાસ હોવાનું બહાર આવ્યું છે. આ અંગે તેમણે ટેલિફોનિક સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, વર્ષ 2014માં જ્યારે તેઓ સક્રિય રાજકારણમાં કે કોર્પોરેટર પદે નહોતા, ત્યારે તેમના પતિ ખાનગી નોકરી કરતા હતા અને રહેવા માટે પોતાની માલિકીનું ઘર ન હોવાથી નિયમ મુજબ અરજી કરીને કાયદેસર ડ્રો મારફતે આ આવાસ મેળવ્યું હતું.
