ચૂંટણીમાં ગેરરિતી આચર્યાની 12 જેટલા વકીલો સામે ચૂંટણી કમિશનરે અરજી કરતાં વિવાદ વકર્યો
ગુજરાતમાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં કમિશ્નરની બેદરકારીના આક્ષેપ થતાં ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ ખાતે વકીલોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. હવે આ ચૂંટણીનો વિવાદ વકરી રહ્યો છે. મતગણતરી થાય તે પહેલા જ વિવાદ વધી રહ્યો છે. જેના કારણે આજે મતગણતરી નહીં થાય તેવી વિગતો સામે આવી છે. ચૂંટણી કમિશ્નરો પણ રાજીનામા આપે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીમાં ચૂંટણી કમિશ્નરો સામે આક્ષેપ થતાં વિવાદ વકર્યો છે. 12 જેટલા વકીલો સામે ચૂંટણી કમિશ્નરે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં અરજી કરી છે. મતદાન બાદ મત પેટીઓ લઈ જતી વખતે હોબાળો થયો હતો. ત્યાર બાદ આ ફરિયાદ કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં કમિશ્નરની બેદરકારી હોવાનો આરોપ વકીલો દ્વારા લગાવાયો હતો. બેલેટ પેપરની પેટી ખુલ્લી મૂકયાનો વકીલોએ આક્ષેપ કર્યો હતો.
આ ચૂંટણીમાં 25 બેઠકો માટે મતદાન થયું હતું. અમદાવાદમાં બે સેન્ટરો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં 9712 મતદારોએ મતદાન કર્યું હતું. બાર કાઉન્સિલની ચૂંટણીના મતદાન બાદ સીસીટીવી અને લાઈવ રેકોર્ડિંગ દ્વારા સ્ટ્રોંગ રૂૂમમાં મશીન સીલ કરાયા હતાં. સ્ટ્રોગ રૂૂમની બહાર પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી બાદ રિટર્નિંગ ઓફિસર્સે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (બીસીઆઈ) અને અન્ય સંબંધિત વ્યક્તિઓને લખેલા પત્રમાં આરોપ લગાવ્યો છે કે 6 માર્ચના રોજ મતદાન પછી અમુક ઉમેદવારો અને તેમના એજન્ટ્સે રિટર્નિંગ ઓફિસર્સ અને સ્ટાફને ધમકી આપી હતી. આ ઘટના અટલ કલામ હોલ, ગુજરાત યુનિવર્સિટીમાં બની હતી. પત્રમાં રિટર્નિંગ ઓફિસર્સે ચેતવણી આપી છે કે જો ઉમેદવારો તરફથી શાંતિપૂર્ણ ગણતરીની ખાતરી નહીં મળે તો તેઓ રાજીનામું આપી દેશે.
પત્રમાં વર્ણવ્યા અનુસાર, 6 માર્ચે મતદાન પૂર્ણ થયા પછી બેલેટ બોક્સને નિયમો અનુસાર સીલ કરવામાં આવ્યા હતા. ઉમેદવારો અને તેમના એજન્ટ્સની હાજરીમાં સીલ પર હસ્તાક્ષર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બોક્સને ટ્રકમાં લોડ કરવામાં આવ્યા. આ સમયે અમુક ઉમેદવારોએ અરાજકતા મચાવી અને ટ્રકને આગ લગાડવાની ધમકી આપી. સ્ટાફને ટ્રકમાંથી નીચે ઉતરવા કહેવામાં આવ્યું. બીસીજીના સેક્રેટરીએ પોલીસને બોલાવી અને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી.
આરોપી ઉમેદવારો અને તેમના સમર્થકોની યાદીમાં અંસારી આફ્તાબહુસેન અલ્તાફહુસેન (નં. 2), વાઘેલા પરેશકુમાર હીરાભાઈ (નં. 93), પઠાણ મહમ્મદજુબેર અબ્દુલમજીદખાન (નં. 70), પટેલ કનુભાઈ સોમાભાઈ (નં. 66), પઠાણ ઝફરખાન શફીખાન (નં. 72), વાણિયા અરવિંદકુમાર ખેતાભાઈ (નં. 95), ભરવાડ અનિલ રમણભાઈ (નં. 07), પરમાર રમેશભાઈ મનાભાઈ (નં. 58), ચૌહાણ દક્ષા રામકુમાર (નં. 16), પરીખ મનીષા બલદેવભાઈ (નં. 55), મકવાણા ગૌતમ શંકરલાલ (નં. 45), અને મધુ નરેન્દ્રકુમાર રણમલજી (નં. 44)ના નામનો સમાવેશ છે. તેમના સમર્થકોમાં રાજ પટેલ અને રુશિકા સોનીનો પણ ઉલ્લેખ છે.
રિટર્નિંગ ઓફિસર્સ હસમુખ એમ. પરીખ, રશ્મિન સી. જાની અને મિલન એન. પટેલે પત્રમાં જણાવ્યું છે કે આ ઘટના ચૂંટણી પ્રક્રિયાને બદનામ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. તેઓએ કહ્યું કે સમગ્ર ગુજરાતમાં મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું હતું, પરંતુ કેટલાક ઉમેદવારોની હતાશાને કારણે આ અરાજકતા મચાવવામાં આવી. પોલીસ ઇન્સ્પેક્ટર બાવા સહિતની ટીમે તપાસ કરી અને કોઈ નુકસાન ન જણાતાં ઉમેદવારો ત્યાંથી જતા રહ્યા.
પત્રમાં વધુમાં ગણતરી પ્રક્રિયા અંગેની અફવાઓ પર પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. રિટર્નિંગ ઓફિસર્સે જણાવ્યું કે નિયમ 24 અનુસાર ગણતરી રિટર્નિંગ ઓફિસર દ્વારા કરવામાં આવે છે અને અમાન્ય મતોને અલગ કરીને પ્રથમ પસંદગી અનુસાર પાર્સલમાં વહેંચવામાં આવે છે. કોઈ ઉમેદવારને બેલેટ પેપર જોવાનો અધિકાર નથી. અનયુઝ્ડ બેલેટ પેપરની ગણતરીની માંગને અશક્ય અને નિયમ વિરુદ્ધ ગણાવી છે. તેઓએ કહ્યું કે આવી અફવાઓ ગણતરીના દિવસે અરાજકતા મચાવવાના ઉદ્દેશ્યથી ફેલાવવામાં આવી છે.
