ઉપલેટાની શાળાના આચાર્ય વ્યાજચક્રમાં ફસાયા, ધમકી આપતી મહિલા વ્યાજખોર સામે ફરિયાદ

70 હજારના અઢી લાખ ચૂકવ્યા છતાં મહિલાએ 30 હજારની માગણી કરી, સ્કૂલે જઇ પૈસાની ઉઘરાણી કરી ફડાકો ઝીંકી દીધો રાજકોટ શહેર અને જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ…

70 હજારના અઢી લાખ ચૂકવ્યા છતાં મહિલાએ 30 હજારની માગણી કરી, સ્કૂલે જઇ પૈસાની ઉઘરાણી કરી ફડાકો ઝીંકી દીધો


રાજકોટ શહેર અને જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ વધતો જાય છે. ત્યારે ઉપલેટાની ડો.મધુબેન બટુકભાઇ દેસાઇ શાળાના આચાર્ય વ્યાજચક્રમાં ફસાયા હતા. તેમણે મહિલા વ્યાજખોર પાસેથી લીધેલા 70 હજારની સામે અઢી લાખ ચુકવી દીધા છતા પણ ધાક ધમકી આપી અને સ્કુલ આવી વધુ 30 હજારની ઉઘરાણી કરી ફડાકો ઝીંકી દેતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.


મળતી વિગતો મુજબ, ઉપલેટાના ભક્તિધામ સોસાયટીમાં રહેતા જગદીશભાઇ હાજાભાઇ વસરા (આહીર)નામના યુવાને પોતાની ફરિયાદમાં વ્યાજખોર મહિલા રાણીબેન ગોગનભાઇ ઉટડીયા સામે વ્યાજખોરીની ફરિયાદ નોંધાવી છે.


જગદીશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતુ કે, તેઓ ડો.મધુબેન બટુકભાઇ દેસાઇ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેઓને બે વર્ષ પહેલા પૈસાની જરૂર હોય જેથી તેમણે વિજળી રોડ પર આવેલી ખોડીયાર ફાઇનસની ઓફીસ ચલાવતા રાણીબેન પાસેથી 70 હજાર વ્યાજે લીધા હતા. તેમની સામે કોરો ચેક આપવામાં આવ્યો હતો. 70 હજારની સામે તેઓને ત્રણ મહિના સુધી કટકે કટકે રૂા.અઢી લાખ ચૂકવી દીધા હતા. આમ છતા રાણીબેન આવર નાવર પૈસાની માંગણી કરી ધમકી આપતા હતા તેમજ ખોટા કેસમાં ફીટ કરી દઇશ તેમ કહેતા હતા.
ત્યાર બાદ ગઇકાલે સવારે અગ્યાર વાગ્યેક જગદીશભાઇ સ્કૂલે હતા ત્યારે રાણીબેન સ્કૂલે આવી જગદીશભાઇને બહાર બોલાવ્યા હતા અને વધુ 30 હજારની માંગણી કરી તેમને ફડાકો ઝીંકી દઇ પૈસાની ઉઘરાણી કરતા અંતે શાળાના આચાર્ય જગદીશભાઇએ ઉપલેટા પોલીસ મથકમાં વ્યાજ ખોર રાણીબેન સામે ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *