અમદાવાદના શિક્ષણ વિભાગમાં ’ઉલટી ગંગા’ જેવો ઘાટ જોવા મળ્યો છે. દોઢ માસ પહેલા જ રાજ્યના શિક્ષણ વિભાગે વર્ગ-3ના 440 અધિકારીને બઢતી આપી વર્ગ-2માં સમાવ્યા હતા. મોટાપાયે બઢતીના આદેશને પગલે વર્ગ-3ના અધિકારીઓમાં ખુશી જોવા મળી હતી. જોકે, આ બઢતીમાં 50 અધિકારી એવા હતા કે તેઓ પોતાની બઢતીથી ખુશ જણાયા નહોતા! જેથી તેમણે શિક્ષણ વિભાગ સમક્ષ બઢતીનો અસ્વીકાર કર્યો હતો. જેના પગલે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા આ 50 અધિકારીઓની બઢતીના આદેશ રદ કરવા માટે દરખાસ્ત કરી હતી. દરખાસ્તના આધારે શિક્ષણ વિભાગે 50 અધિકારીની બઢતીના આદેશ રદ કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 26 ડિસેમ્બરના રોજ એક સાથે વર્ગ-2ના 200 અધિકારીઓની બદલી કરવા સાથે 440 અધિકારીઓને વર્ગ-3માંથી વર્ગ-2માં બઢતી આપવામાં આવી હતી. જેમાં અમદાવાદ, સુરત, પાટણ સહિતની કેટલીક ઉઊઘ કચેરીમાં મદદનીશ કેળવણી નિરીક્ષક તરીકે ફરજ બજાવતાં હોવા છતાં તેમને મૂળ કચેરીઓમા જ વર્ગ-2 તરીકે બઢતી આપવામાં આવી હતી. આ બઢતીમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે વર્ગ-3માં ફરજ બજાવતા 244 અધિકારીને વર્ગ-2માં બઢતી આપવામાં આવી હતી.
જ્યારે સરકારી માધ્યમિક શાળાઓમાં મદદનીશ શિક્ષક તરીકે વર્ગ-3માં ફરજ બજાવતા 196 અધિકારીને પણ વર્ગ-2માં બઢતી આપવામાં આવી હતી. આમ, શિક્ષણ વિભાગ દ્વારા અધિકારીઓને બઢતી આપવામાં આવ્યા બાદ પણ કેટલાક અધિકારીઓ બઢતી લેવા માગતા ન હોવાની વિગતો સામે આવી હતી. વિભાગ દ્વારા જે બઢતી કરવામાં આવી તે પૈકી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના 35 કર્મચારી અને માધ્યમિક શાળાના 15 કર્મચારીઓએ બઢતીનો અસ્વીકાર કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા 2 ફેબ્રુઆરી, 2026ના રોજ પત્ર દ્વારા આ કર્મચારીઓની બઢતીના આદેશો રદ કરવા માટે દરખાસ્ત કરી હતી. કમિશનર ઓફ સ્કૂલની દરખાસ્તના અનુસંધાને શિક્ષણ વિભાગે કરેલી 50 અધિકારીની બઢતીના આદેશ રદ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી હવે આ 50 અધિકારી પરત પોતાના સંવર્ગમાં ફરજ બજાવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
