યુવાનને ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયો
ગોંડલમાં આવેલ શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં રત્નકલાકાર યુવાને કામ ધંધો નહીં ચાલતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલમાં નવા માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ છગનભાઈ સિદપરા નામનો 42 વર્ષનો યુવાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં સુરેશ્ર્વર વેરી તળાવ પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કલ્પેશ સિદપરા બે ભાઈમાં નાનો છે અને તેને બે પુત્ર છે. કલ્પેશ સિદપરાનું બે વર્ષ પહેલા અકસ્માતમાં મગજમાં હેમરેજ જેવી ઈજા પહોંચી હતી. હિરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતાં યુવાને કામ ધંધો નહીં મળતાં વખઘોળ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
