મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કતાર બાદ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ પોતાની સુરક્ષા માટે ઈરાન સાથે ગુપ્ત ડીલ કરી લીધી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇઝરાયેલી મીડિયા ’કાન’ ના અહેવાલ મુજબ, આ ડીલ અંતર્ગત અબુ ધાબીએ ખાસ વિમાન મારફતે તેહરાનને 3 અબજ ડોલર (આશરે 25,000 કરોડ રૂૂપિયાથી વધુ) મોકલ્યા છે. બદલામાં ઈરાન ચાલુ યુદ્ધ દરમિયાન યુએઈના પ્રદેશો પર કોઈ હુમલો નહીં કરે. જો કે, ઈરાનના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે આ પ્રકારની કોઈ ડીલ થઈ હોવાનો ઈનકાર કર્યો છે.
રિપોર્ટ અનુસાર, આ નાણાં રાજદ્વારી સંબંધો સુધારવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી મોકલવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે કે, યુદ્ધની બીજી લહેરમાં ઈરાને યુએઈ પર એક પણ હુમલો કર્યો નથી. હાલમાં ઈરાન માત્ર કુવૈત, બહેરીન અને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય ઠેકાણાઓને જ નિશાન બનાવી રહ્યું છે. આ બદલાયેલી રણનીતિ ઇઝરાયેલી મીડિયાના દાવાને મજબૂત કરે છે કે બંને દેશો વચ્ચે કોઈ ચોક્કસ સમજૂતી થઈ છે.
યુએઈ સરકારના જણાવ્યા અનુસાર, અગાઉ ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષ દરમિયાન યુએઈ પર 2,000થી વધુ વખત હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં 2,265 ડ્રોન હુમલા, 551 બેલિસ્ટિક મિસાઈલો અને 29 ક્રૂઝ મિસાઈલો સામેલ હતી. આ હુમલાઓમાં અબુ ધાબી અને દુબઈને નિશાન બનાવાયા હતા, જેમાં 13 લોકોના મોત થયા હતા અને 230 થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈરાનનો આરોપ હતો કે યુએઈ ઇઝરાયેલની મદદ કરી રહ્યું છે.
યુએઈ પહેલા કતારે પણ ઈરાન સાથે સમાન પ્રકારની ડીલ કરી હતી.
તે સમયે કતારે ઈરાનની ફ્રીઝ થયેલી 6 અબજ ડોલરની સંપત્તિને અનફ્રીઝ કરવાનું આશ્વાસન આપ્યું હતું, જેના બદલામાં ઈરાને કતાર પર હુમલો ન કરવાનો વાયદો કર્યો હતો. કતાર હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી તરીકે મોટી ભૂમિકા ભજવી રહ્યું છે અને ઈરાનને વધુ 12 અબજ ડોલરની આર્થિક રાહત અપાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે.
