શહેરની ભાગોળે રૈયા ગામમાં આવેલા પાટીદાર ચોક પાસે નવી બનતી ક્ધસ્ટ્રકશન સાઈટ પર કામ કરતાં બે શ્રમિકના વીજ લાગતાં મોત નિપજતાં પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. બન્ને શ્રમિક સાઈટ પર લીફટનું કામ કરતાં હતાં ત્યારે અચાનક વીજશોક લાગતાં આ બનાવ બન્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, મુળ ઉત્તરપ્રદેશનો વતની સુરજ હિરાલાલ કુશવાહ (ઉ.21) અને મધ્યપ્રદેશનો વતની રામદલી કામટાપ્રસાદ કુશવાહ (ઉ.26) બન્ને રૈયા ગામે પાટીદાર ચોક નજીક નવી બનતી અપટાઉન -યુ નામની બિલ્ડીંગ સાઈટ પર રહી કામ કરતાં હતાં દરમિયાન આજે બપોરે બન્ને શ્રમિક ક્ધસ્ટ્રકશન સાઈટ પર ગ્રાઉન્ડ ફલોરમાં લીફટનું કામ કરતાં હતાં ત્યારે અચાનક વીજશોક લાગતાં બન્ને શ્રમિક બેભાન થઈ ઢળી પડયા હતાં. જેથી અન્ય શ્રમિકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતાં. બેભાન હાલતમાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી બન્નેને મરણ ગયાનું જાહેર કર્યુ હતું.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક રામદલી ત્રણ ભાઈ એક બહેનમાં વચેટ અને પરિણીત હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસમાં નવી બનતી ક્ધટ્રકશન સાઈટમાં રવિ પરસોત્તમભાઈ ગઢડીયાએ કલર કામનો કોન્ટ્રાકટ રાખ્યો હોય જેમાં આ બન્ને શ્રમિકો કામ કરતાં હતા. દરમિયાન આજે લીફટ ફીટ કરતાં હતાં ત્યારે અચાનક કરંટ લાગતાં બન્નેના મોત થયાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
