શહેરમાં નવનિર્મિત બિલ્ડીંગમાં કામ કરતી વખતે બે શ્રમિકના પડી જવાથી મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં મવડી-કણકોટ રોડ પર સેન્ટિંગ કામ કરતો યુવાન અને એસ્ટ્રોન સોસાયટીમાં બાંધકામની સાઇટ પર પહેલા માળે પાણી છાંટતા આધેડ અકસ્માતે નીચે પટકાતા મોત નિપજ્યા હતા. યુવક અને આધેડના મોતથી બંને શ્રમિક પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં મવડી-કણકોટ રોડ પર પાણીના ટાંકા પાછળ બાંધકામની સાઈટ પર રહેતો ઉત્તરપ્રદેશનો આદિત્ય રામનારાયણ કુસ્વાહ નામનો 18 વર્ષનો યુવાન સવારે અગિયારેક વાગ્યાના અરસામાં નવા બિલ્ડિંગના દસમાં માળે સેન્ટિંગ કામ કરતો હતો. ત્યારે અચાનક પગ લપસતા નીચે પટકાયો હતો. બનાવ બનતા અન્ય મજૂરો એકઠા થઇ 108 બોલાવી હતી. તેના તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક આદિત્ય તેના મોટાભાઈ સાથે રહેતો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં મૂળ ઓરિસ્સાના વતની હાલ અમીન માર્ગ પર આવેલી એસ્ટ્રોન સોસાયટીમાં બાંધકામની સાઇટ પર રહેતા જલંધરભાઈ ભીકારામભાઈ હરપાલ નામના 52 વર્ષના આધેડ સવારે મકાનના પહેલા માળે કામ કરતા હતા ત્યારે પગ લપસતા અકસ્માતે પટકાતા માથામાં ગંભીર ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
