જામનગરમાં નવા રચાયેલા એન્ટી રેડિક્લાઈઝેશન સેલમાં એક પી.એસ.આઈ. સહિત બે અધિકારીઓની નિમણૂક

રાજ્ય સરકાર દ્વારા આંતરિક સુરક્ષા મજબૂત બનાવવા અને કટરપંથી તેમજ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ રાખવા માટે એન્ટી રેડિકલાઈઝેશન સેલની રચના કરવામાં આવી છે. આ…

રાજ્ય સરકાર દ્વારા આંતરિક સુરક્ષા મજબૂત બનાવવા અને કટરપંથી તેમજ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર અસરકારક નિયંત્રણ રાખવા માટે એન્ટી રેડિકલાઈઝેશન સેલની રચના કરવામાં આવી છે. આ અનુસંધાને જામનગર જિલ્લામાં પણ એન્ટી રેડિકલાઈઝેશન સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આ સેલમાં બે અનુભવી પોલીસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (પી.એસ.આઈ.) એમ.વી. મોઢવાડિયા તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (એ.એસ.આઈ.) સાયરથસિંહ જાડેજાને જવાબદારી સોંપવામાં આવી છે. આ સેલનો મુખ્ય હેતુ સમાજમાં કટરપંથી વિચારધારાના પ્રસારને અટકાવવાનો, સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમો દ્વારા ફેલાવવામાં આવતી શંકાસ્પદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર નજર રાખવાનો તેમજ સમયસર જરૂૂરી કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો રહેશે.

જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ સેલ દ્વારા વિવિધ એજન્સીઓ સાથે સંકલન સાધી સુરક્ષા સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવશે, અને સંવેદનશીલ મુદ્દાઓ પર સતત મોનિટરિંગ કરવામાં આવશે.
જામનગર જિલ્લામાં એન્ટી રેડિકલાઈઝેશન સેલ કાર્યરત થતાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેમજ રાષ્ટ્રવિરોધી અને અસામાજિક તત્વો સામે અસરકારક પગલાં ભરવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *